સૌરાષ્ટ - કચ્છ

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડના નવા ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલા બિનહરીફ ચૂંટાયા

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા વા.ચેરમેનની મુદ્‌ત પૂર્ણ થતાં આજરોજ હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. જેમાં હાપા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વાઇસ ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા યાર્ડ ખાતે બંને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઇને રાજકીય ક્ષેત્રમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકીય લોબી સક્રિય બની હતી. સહકારી ક્ષેત્રના રાજકારણમાં આ ચૂંટણીને લઇને ગરમાવો જાેવા મળ્યો હતો.
હાપા માર્કેટ યાર્ડના ચેરમેન રાઘવજી પટેલ અને વા.ચેરમેન તરીકે ધીરૂભાઇ કારીયાની અઢી વર્ષની મુદ્‌ત પૂર્ણ થતાં આજરોજ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઇ હતી. યાર્ડની ઓફિસ ખાતે યોજાયેલી ચૂંટણીમાં યાર્ડના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં યાર્ડના ચેરમેન તરીકે પ્રવિણસિંહ ઝાલા તથા વા.ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (હાપા યાર્ડ) ના ચેરમેન અને વા.ચેરમેનના હોદાઓ અઢી વર્ષની સમય મર્યાદા પૂર્ણ થતાં નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ગુજરાત ખેત ઉત્પન્ન બજારના નિયમો ૧૯૬૫ના નિયમન અન્વયે ચૂંટાયેલા અને નિયુક્ત સદસ્યોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં હાપા યાર્ડના બીજી ટર્મના હોદેદારો માટે ચૂંટણી અધિકારીએ આજરોજ ચૂંટણી યોજવા પરિપત્ર જાહેર કર્યો હતો. જેને લઇને છેલ્લા એકાદ અઠવાડીયાથી યાર્ડના રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો હતો. ત્યારે આજરોજ યાર્ડના ચેરમેન અને વા.ચેરમેનની વરણી યાર્ડની બેઠકમાં કરવામાં આવી હતી.

Related Posts