fbpx
ગુજરાત

અમદાવાદમાં દેહવ્યાપાર કરતી મહિલાને બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી અને દેહવ્યાપાર કરતી મહિલાને બે અજાણ્યાં શખસો નારોલ સર્કલ નજીક જાહેરમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાને તેનો મિત્ર સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો જ્યાં તેને પાટા પીંડી કરી દેવાઈ હતી. બીજા દિવસે દુઃખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે મહિલાને મૃત જાહેર કરી હતી. સમગ્ર બાબતને છૂપાવવા માટે વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી સમારતા છરો વાગ્યો હોવાનું લખાવ્યું હતું. હોસ્પિટલના ડોકટરે કોઈએ છરીના ઘા માર્યા હોવાનુ જણાવતા ઈસનપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મૂળ કલકત્તાની રહેવાસી અને અમદાવાદના વટવા વિસ્તારમાં જયા (નામ બદલેલ છે) નામની મહિલા તેના મિત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. જ્યાં નારોલ સર્કલ ખાતે દેહવ્યાપારનું કામ કરતી હતી. ૧૭ જુલાઈના રોજ રાતે ૮ વાગ્યાની આસપાસ નારોલ સર્કલ નજીક જયા ઉભી હતી ત્યારે બાઇક પર બે અજાણ્યા શખ્સ આવ્યા હતા અને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે તેના મિત્રને જાણ કરતા તે આવી મહિલાને સારવાર માટે ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો જ્યાં તેને પાટા પિંડી કરી ઘરે લઇ ગયો હતો.

બીજા દિવસે તેને દુઃખાવો ઉપડતા અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને વટવા પોલીસ સ્ટેશનમાં મચ્છી કાપતા છરો વાગતા ઇજા થઇ હોવાનું પોલીસ સમક્ષ લખાવ્યું હતું. ત્યાંથી વધુ સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને ડોકટરે મૃત જાહેર કરી હતી. ડોકટરે છરીના ઘા વાગ્યા હોવાનું જણાવ્યુ હતું. જેથી ઈસનપુર પોલીસે તેના મિત્રને પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts