fbpx
ગુજરાત

વડોદરામાં નગર પ્રા.શિક્ષણ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ અંતિમ દિવસે ફોર્મ ભર્યા

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂંક માટે કોકડું ગૂંચવાતા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોર્પોરેશન હસ્તક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી ૬ ઓગસ્ટના રોજ યોજાવાની છે, ત્યારે આજે ઉમેદવારી નોંધાવવા માટે અંતિમ દિવસ હોવાથી ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ આજે ઉમેદવારી પત્રો ભરાયા હતા. જાેકે, ઉમેદવારી ફોર્મ ભરતી વખતે મોટાભાગના ઉમેદવારોએ માસ્ક પહેર્યા નહોતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ ,વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી સહિતના પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ ભાજપ દ્વારા વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ૧૨ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં રીટાબેન માંજરાવાલા, અંજનાબેન ઠક્કર, શર્મિષ્ઠાબેન સોલંકી, ડો. હેમાંગભાઈ જાેશી, આદિત્ય પટેલ, વિજય પટેલ , કિરણ સાળુંકે, ભરત ગજ્જર , નિલેશ કહાર, રણજીત રાજપૂત, હિતેશ પટણી અને જીગ્નેશ પરીખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાજપના કાર્યકર, માજી કાઉન્સિલર તેમજ સામાજિક કાર્યકર્તા સહિત ૧૬ લોકો ઉમેદવારી પત્રો મેળવી ચૂક્યા છે.

અત્રે નોંધનીય છે કે, શિક્ષણ સમિતિમાં કુલ ૧૫ સભ્ય હોય છે, જેમાંથી ચૂંટણી ૧૨ સભ્યની થાય છે, જ્યારે ૩ સભ્ય સરકાર નિયુક્ત હોય છે. ૧૨માંથી ૧ બેઠક એસ.સી. એસટી, ૩ બેઠક મેટ્રિક્યુલેટ વર્ગની અને ૮ બેઠક સામાન્ય વર્ગની છે.

Follow Me:

Related Posts