fbpx
ગુજરાત

પલસાણાના સાંકી ગામેથી ૧.૨૫ કરોડના ગાંજા સાથે એક પકડાયોઃ ત્રણ વોન્ટેડ

સુરત નજીક આવેલા પલસાણાના સાંકી ગામેથી ગાંજાના નશીલા કારોબારનું નેટવર્ક ઝડપાયું છે. પોલીસને મળેલી બાતમીના આધારે શ્રી રેસિડેન્સીના બીજા માળે આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે રેડ કરવામાં આવી હતી. જેમાંથી સવા કરોડની કિંમતના ૧૧૪૨.૭૪ કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે ૩ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. ઓડિશાના ગંજામથી ટ્રાન્સપોર્ટ મારફતે લવાતો ગાંજાે એપાર્ટમેન્ટના ફ્લેટમાં રખાયો હતો. મુખ્ય સુત્રધાર પકડાયા પછી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. એસઓજી રાત્રિના સમયે બાતમીના આધારે સાંકી ગામ,લબ્ધી બંગ્લોઝ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી રેસીડન્સીના બીજા માળે ફલેટ નંબર ૨૦૪ માં રેડ પાડી હતી. પોલીસને રેડ દરમિયાન સવા કરોડની અંદાજે કિંમતનો ૧૧૪૨.૭૪ કિલો ગાજાે મળી આવ્યો હતો. સાથે જ એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસે ફ્લેટને કોર્ડન કરીને સમગ્ર રેડ કરી હતી. જેમાં ફ્લેટમાં અંદર તપાસ કરતાં ૩૨ જેટલી ગાંજાે ભરેલી ગુણ મળી આવી હતી. કોથળામાં ભરેલા મોટા પ્રમાણમાં રહેલા ગાંજાના જથ્થાને પોલીસે સીઝ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ પોલીસે મુદ્દામાલમાં આરોપીના મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts