કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત, રીક્ષા ચાલકનું મોત
અમદાવાદમાં મોટેરા વિસ્તારમાં મંગળવારે રાત્રે કાર, રિક્ષા અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી સામે આવતી રિક્ષા અને બાઈકચાલકને ટક્કર મારી હતી. બાદમાં તેની કાર પણ પલટી ગઈ હતી. રિક્ષા પલટી જતાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇજા પહોંચતાં બાઈકચાલક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રાફિક-પોલીસે આ મામલે કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોટેરા વિસ્તારમાં આવેલા દ્વારકેશ એન્ટેનિયામાં યશ ભવાની નામનો યુવક રહે છે. યશ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મંગળવારે રાતે નવ વાગ્યાની આસપાસ જ્યારે યશ મોટેરા તેના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ઘરની બહાર પહોંચ્યો ત્યાં તેની આગળ એક રિક્ષા જતી હતી, પાછળ પોતે બાઈક લઈ જતો હતો. દરમિયાન સામેથી એક કારચાલક પૂરપાટ ઝડપે આવ્યો હતો અને રિક્ષાને જાેરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં રિક્ષા પલટી ગઈ હતી અને યશના બાઇકને પણ ટક્કર વાગતાં સામેની તરફ પડ્યો હતો. આસપાસના રહીશો ત્યાં દોડી આવ્યા હતા.
યશને શરીરના અનેક ભાગે ઇજાઓ થઈ હતી. રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. મૃતક રિક્ષાચાલકનું નામ દિનેશભાઇ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. યશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરતાં એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. દિનેશભાઇના પરિવારને જાણ કરવામાં આવતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. કારચાલકને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસે યશની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Recent Comments