ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા હસ્તે વિવિધ યોજનાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને જિલ્લાની નગરપાલિકાઓને ચેકનું વિતરણ કરાયુ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની વર્તમાન રાજ્ય સરકારના પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યભરમાં ઉજવાઇ રહેલ ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસના’ કાર્યક્રમના આઠમા દિવસે એટલે કે આજે શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલીના દિલીપભાઈ સંઘાણી હોલ ખાતે ગુજરાત રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઈ બેરા અને ધારી-ખાંભા-બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો હતો.
ચેરમેન શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે આપણા શહેરોની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે શહેરી વિકાસની વિવિધ યોજનાઓ થકી આંતર માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં નગરપાલિકાઓને લગતા કામો માટે મંજૂરી મેળવવા અલગ અલગ કચેરીઓની મુલાકાત લેવી પડતી પરંતુ હવે માત્ર એક જ કચેરીમાંથી વહીવટી કે તાંત્રિક મંજૂરીઓ મળી રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આજે ઘરનું ઘર આપીને રાજ્ય સરકારે આશીર્વાદ મેળવ્યા છે.
ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયાએ પ્રસંગોચિત ઉદબોધન આપતા જણાવ્યું હતું કે વહીવટીકાળના પાંચ વર્ષના કાર્યોનો હિસાબ અને આગામી કાર્યોના આયોજન માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા છે. ભૂતકાળમાં નગરપાલિકાઓમાં માત્ર ઓક્ટ્રોઈની હતી જેમાંથી સેવાકાર્યો પૂર્ણ કરી શકાતા ન હતા પરંતુ આજે વ્યવસ્થા બદલી છે. મળવાપાત્ર ગ્રાન્ટથી પણ વધારે ગ્રાન્ટ ખૂબ આસાનીથી મેળવી શકાય છે. નગરપાલિકા વિસ્તારોના વિકાસકાર્યો માટે આપવામાં આવેલી ગ્રાન્ટ પડતર ન રહે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આ રાજ્ય સરકારને પાંચ વર્ષ પુરા થાય છે ત્યારે તા. ૧ થી ૯ સુધી વિવિધ વિષયોને રાજ્ય સરકારે આવરી લઇ સેવાયજ્ઞ કર્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે શહેર હોય કે ગામડું, રાજ્ય સરકાર સર્વાંગી વિકાસ માટે હરહંમેશ જરૂરિયાત મુજબની ગ્રાન્ટ સમયસર ફાળવે છે. સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો ગુણવત્તાસભર વિકાસકાર્યોમાં સદુપયોગ થાય એ દિશામાં કાર્ય કરવા નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે અમરેલી નગરપાલિકા પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગૂરવ, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેનશ્રી, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, વિવિધ સમિતિના ચેરમેનશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ સહિતના તમામ પદાધિકારીઓ તેમજ અધિકારીઓ-કર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી કર્મચારીઓ તેમજ ઉપસ્થિત રહ્યાં હતા.
Recent Comments