શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ ભક્તોથી ઊભરાયું
પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ દિવસ સોમવારે વ્હેલી સવારથી પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરએ શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. વહેલી સવારથી જ ભગવાનના ભોળાનાથના દર્શન માટે લોકોની લાંબી લાઇન લાગી છે. સોમનાથમાં શિવલિંગના દર્શન કરી ભાવીકો ધન્ય બન્યા હતા. જ્યારે ભીડ એકત્ર ન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કોવિડની ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને મંદિર ટ્રસ્ટના પી.કે.લહેરીના હસ્તે શ્રાવણ માસનું પ્રથમ નૂતન ધ્વજારોહણ પૂજાવિધિ થઈ હતી. જ્યારે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતેથી એક શિવ ભક્ત પગપાળા ચાલી નર્મદા માતાનુ પવિત્ર જળ લઇ સોમનાથ પહોંચ્યા છે.
આજથી શિવની ભક્તિ માટે પવિત્ર ગણાતા એવા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવભક્તોમાં દેવાધિ દેવ મહાદેવને શીશ ઝુકાવવા અનેરો થનગનાટ પ્રવર્તી રહેલો હતો. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારે શિવ ભક્તોનો મોટો સમુહ પરીસરમાં કતારબંધ લાઈનમાં ઉભા હતા. ભક્તોના ‘હર હર મહાદેવ… ૐ નમઃ શિવાય’ના નાદથી પરીસરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. કોરોનાના નિયમનું પાલન કરતા શિવ ભક્તો કતારબંધ લાઈનમાં મંદિરમાં પ્રવેશ કરી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા.
કોરોના મહામારીને ધ્યાને લઇ સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ સહિતના તંત્રએ ભાવિકોને દર્શન માટે અનેક પ્રતિબંધો સાથે નિયમો જાહેર કર્યા છે. જેમાં ઓનલાઈન-ઓફલાઇન પાસ લઈને જ ભાવિકો દર્શન માટે જઈ શકશે. ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મંદિરમાં સવારે ૭, બપોરે ૧૨ અને સાંજે ૭ વાગ્યે થતી ત્રણ ટાઈમ આરતીમાં ભાવિકોને પ્રવેશ મળી શકશે નહીં. આ સહિતના તમામ નિયમોનું આજે સવારથી સોમનાથ આવતા ભાવિકો પાસે તંત્રએ તૈનાત કરાવેલ સુરક્ષા જવાનો અને સ્ટાફ પાલન કરાવી રહ્યો હતો.
Recent Comments