વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પૂલ ખાતે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ૩૫૦ જેટલા ડ્રાઇવરને પૂરતો પગાર ન મળતા આજે વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. તમામ કર્મચારીઓએ એક સાથે વાહનોની ચાવીઓ કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દેતા કોર્પોરેશનના તમામ વાહનોના પૈંડા થંભી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં કોન્ટ્રાક્ટ સુપરવાઇઝરે વહેલી તકે કર્મચારીઓનો પ્રશ્ન હલ કરવાની હૈયાધારણ આપી છે.
વડોદરા મહાનગરપાલિકાના ભૂતડીઝાંપા ખાતે આવેલા વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઇવરોનો પગાર કાપી લેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઇ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કામગીરી ઠપ થઇ ગઇ હતી. હડતાળ પડતા જ કોન્ટ્રાક્ટ કંપનીના સુપરવાઇઝર જીવનભાઇ દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી બે-ત્રણ કલાકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી.
ડ્રાઇવર રહેમાનભાઇએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી કોન્ટ્રાક્ટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીએ છે. અમે આઠ કલાક નોકરી કરીએ છે. પરંતુ, કોન્ટ્રાક્ટર દ્વારા પગાર કાપી લેવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, પ્રતિમાસ રૂપિયા ૭૦૦ જેટલો પગાર કાપી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
Recent Comments