આઝાદીની સંઘર્ષયાત્રામાં ભાગીદાર સૌ મહાપુરુષોને વંદન : મંત્રી ઈશ્વરસિંહ પટેલ
અમરેલી વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ એટલે કે ૧૪ ઓગસ્ટના સાંજે ૫.૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ અમરેલી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહકાર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર જેવા વિભાગોના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે ભારત દેશમાં અંગ્રેજોએ વર્ષો સુધી રાજ કર્યું હતું. ૧૮૫૭ના વિપ્લવથી માંડી આઝાદી મળી ત્યાં સુધીની સંઘર્ષયાત્રા દરમિયાન આપણા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ જીવ ગુમાવી શહીદી વ્હોરી હતી. આજે શીશ નમાવી સૌ મહાપુરુષોને વંદન કરું છું. આપણી આ મહામૂલી આઝાદીને કાજે આપવામાં આવેલા બલિદાનો એળે ન જવા જોઈએ. આપણા સૌરાષ્ટ્રના સપૂત એવા મહાત્મા ગાંધીજીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આઝાદી બાદ ૫૬૨ જેટલા દેશી રજવાડાંઓને એક કરવાનું ભગીરથ કાર્ય પણ આપણા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલએ કર્યું છે.
તાજેતરમાં ઓલિમ્પિકમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ રમતવીરોને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની ખેલકુદ ક્ષેત્રની અનેકવિધ યોજનાઓના લીધે શાળાઓમાં અને સંસ્થાઓમાં બાળકો ખેલકુદમાં ઉજાગર થયા છે અને સારા પરિણામો મેળવ્યા છે.
મહિલા મોરચાના પ્રમુખ સુશ્રી ભાવનાબેન ગોંડલીયાએ ઉપસ્થિત જનમેદનીને સ્વાતંત્ર્ય પર્વની અગાઉથી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આવતીકાલે દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવા સમગ્ર દેશની સાથે આપણું અમરેલી પણ થનગની રહ્યું છે.
દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જૂનાગઢ ખાતેના રાજ્યકક્ષાના પૂર્વસંધ્યા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા, પૂર્વમંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ,જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જોશી સહિતના પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં
Recent Comments