અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેકટનો પહેલો ફેઝ પુરો થતાં હજુ એક વર્ષનો સમય લાગશે
અમદાવાદ શહેર માટે મહત્વકાંક્ષી મેગા પ્રોજેકટ કોરોના મહામારીનું સંક્રમણ આડે આવતા વિલંબમાં પડયો છે.મેટ્રો રેલ પ્રોજેકટના પહેલા ફેઝની કામગીરી એક વર્ષ બાદ ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં પુરી કરી લેવામાં આવશે.હાલ માત્ર ૬.૫ કીલોમીટરના રુટમાં ટ્રેન દોડાવવામાં આવતી હોવાથી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. મેટ્રો રેલના બીજા ફેઝ માટે મોટેરાથી મહાત્મા મંદિર સુધીની કામગીરી આરંભી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.આ અંગે મળતી માહીતી મુજબ,અમદાવાદ શહેરના પૂર્વમાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના ૬.૫ કીલોમીટરના રુટ ઉપર પહેલા ફેઝમાં વર્ષ-૨૦૧૯થી મેટ્રો ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે.૬.૫ કીલોમીટરના રૃટ ઉપર ટ્રેન સેવા શરુ કરવામાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી પણ વધુના સમયથી ચાલી આવતી કોરોના મહામારીમાં સંક્રમણને ધ્યાનમાં લઈ ટ્રેન સેવા કેટલાક સમય સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.ઉપરાંત કોવિડ-૧૯ની ગાઈડ લાઈનના અમલ સાથે ફરીથી ટ્રેન સેવા શરુ કરવામાં આવ્યા બાદ લોકોમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાનો જે ઉત્સાહ જાેવા મળવો જાેઈએ એ હજુ સુધી જાેવા મળી રહ્યો નથી.કોરોના મહામારીના સમયમાં પહેલા ફેઝ માટે ચાલતી કામગીરીને પણ અસર પહોંચી હતી.
મેટ્રો ટ્રેન સેવા બીજી લહેરમાં સંક્રમણની ગતિ ધીમી પડતા ફરીથી શરૃ કરાઈ હતી.ટ્રેનનો સમય સવારના નવથી સાંજના છ સુધીનો કરવામાં આવ્યો છે.છતાં રોજ દોડાવવામાં આવતી મેટ્રોની ફ્રીકવન્સી સામે જાેઈએ એટલા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા નથી.આ વર્ષે મે મહિનામારોજના સરેરાશ ૧૦૬ લોકો, જુન મહિનામાં ૨૭૦ લોકો તથા જુલાઈ મહિનામાં ૧૯૧ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી.એક માત્ર ૧૫ ઓગસ્ટના દિવસે જાહેર રજાનો દિવસ હોવાથી તે દિવસે ૨૦૯૭ લોકોએ એક દિવસમાં મુસાફરી કરી હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આગામી વર્ષે ઓગસ્ટ-૨૦૨૨ સુધીમાં મેટ્રો ટ્રેન માટેના પહેલા ફેઝની કામગીરી પુરી કરી લેવાશે એ પછી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો થશે એવો તંત્ર દ્વારા આશાવાદ વ્યકત કરવામાં આવ્યો છે.
Recent Comments