એશિયાટિક લાઇબ્રેરીના દુર્લભ ગ્રંથોને ડિજિટલ રૂપ આપવાની તૈયારીઓ
એશિયાટિક સોસાયટી પાસે લાખો દુર્લભ ગ્રંથો અને હસ્તલિખિત પુસ્તકો છે. સમાજજીવનના વિવિધ ક્ષેત્રના અભ્યાસની માહિતી ધરાવતા મૌલિક ગ્રંથો ભાવિ પેઢીને અભ્યાસ અને સંશોધન માટે ઉપયોગી થશે. આ પહેલાં લાયબ્રેરીના પ્રથમ તબક્કામાં મળેલા અનુદાનના સમયે ડિજીટાઇઝેશનને પ્રાધાન્ય ક્રમે ઠરાવવામાં આવ્યું હતું. તે અનુસાર અંદાજે ૨૦થી ૨૨ ટકા કામ પ્રથમ તબક્કામાં પૂર્ણ થયું છે. તેની માહિતી લાઇબ્રેરી દ્વારા મળી છે. આ યોજના હેઠળ થયેલા કામનો અહેવાલ એશિયાટિક સોસાયટીએ મુંબઈના મહારાષ્ટ્ર રાજ્ય ગ્રંથાલય સંચાલન ઓફિસના સંચાલકને આપવો, તેમજ આ બાબતે એશિયાટિક સોસાયટીએ કરેલા કામનું નિરીક્ષણ કરીને ગ્રંથાલયના સંચાલકે આ અહેવાલ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવો તેવો સ્પષ્ટ આદેશ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે આપ્યો છે. એશિયાટિક લાયબ્રેરીના દુર્લભ ગ્રંથો અને હસ્તલિખિત પુસ્તકોને ડિજિટલ સ્વરૃપ આપવામાં આવશે. આ માધ્યમથી બહુ જલદી લાયબ્રેરીના હજારો ગ્રંથોને નવી ઓળખ મળશે. હાલમાં જ રાજ્ય સરકારે એશિયાટિક લાયબ્રેરીના પ્રોજેક્ટ માટે એક કરોડ રૃપિયાના ફંડને મંજૂર કર્યો છે. આ વિશેષ અનુદાનનો માર્ગ હવે મોકળો થયો છે. આ માધ્યમથી હવે એશિયાટિકના ખજાના પૈકી આજે ૪૦થી ૪૫ હજાર પુસ્તકોનું ડિજિટાઇઝેશન થવાની શક્યતા છે, પરંતુ સંપૂર્ણ ડિજિટાઇઝેશન માટે હજી ૧૫ કરોડ રૃપિયાના ફંડની આવશ્યકતા હોવાનું લાયબ્રેરી દ્વારા જણાવાયું છે. ગ્રંથાલયમાં ૧,૯૩,૪૦૦ જેટલા ગ્રંથોની સંખ્યા છે. ૫૦૦૦ મુદ્રિત પુસ્તકોની સંખ્યા છે. આ ગ્રંથાલયમાં હસ્તલિખિત પોથીઓ, વિવિધ લેખકોના સાહિત્ય, હસ્તાક્ષર વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે તેનું જતન અને સંરક્ષણ, સંવર્ધન કરવું આવશ્યક છે. તેને ધ્યાનમાં રાખીને આ દુર્લભ ગ્રંથો અને હસ્તલિખિત પોથીઓના ડિજીટાઇઝેશન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Recent Comments