અમેરિકામાં ઈડા વાવાઝોડાંનો હાહાકાર : મૃત્યુઆંક વધીને ૪૫ થયો
અમેરિકાના હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઈડાની મહત્તમ ઝડપ ૨૪૦ કિલોમીટર પ્રતિકલાકની રહી હતી. આટલી તીવ્ર ઝડપના કારણે આ વાવાઝોડું અમેરિકાના ઈતિહાસનું પાંચમા નંબરનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણાયું છે. અમેરિકામાં ઈડા વાવાઝોડાંએ હાહાકાર મચાવ્યો હતો. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં રહેતાં લગભગ છ-સાત કરોડ લોકો વાવાઝોડાંથી અસરગ્રસ્ત બન્યાં છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ફિલાડેલ્ફિયા, કનેક્ટિકટ, પેન્સિલવેનિયા, મિસિસીપી, લ્યુશિયાના, ડેલાવેર, વર્જિનિયા જેવા રાજ્યોના નાના-મોટા શહેરોમાં ચારેબાજું પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. અમેરિકામાં ઈડા વાવાઝોડાંએ તારાજી સર્જી છે.
મૃત્યુઆંક વધીને ૪૫ થઈ ગયો હતો અને હજુ પણ આ આંકડો વધે તેવી દહેશત સરકારી તંત્રએ વ્યક્ત કરી હતી. ઉત્તર-પૂર્વના બધા જ રાજ્યોને આ વાવાઝોડાંએ ધમરોળી નાખ્યા હતા. વીજળીનો પૂરવઠો ૬૦ કલાકથી ઠપ રહેલાં લગભગ ૨૦ લાખ કરતાં વધુ લોકો અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા. મોટાભાગના રાજ્યોના ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. રેલવે અને માર્ગ પરિવહન બંધ રહેવાની સાથે સાથે અસંખ્ય ફ્લાઈટ્સ રદ્ થઈ ગઈ હતી. લોકોને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરાઈ હતી.
ન્યૂયોર્કમાં તો વરસાદનો છેલ્લાં ૪૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. તે સાથે જ એક રાતમાં કુલ આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતાં ન્યૂયોર્ક શહેરમાં ચારેબાજું જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ન્યૂયોર્કના હાઈવેમાં ૫૦૦ કરતાં વધુ વાહનો ફસાઈ ગયા હતા. સબ-વે ટનલમાં ૧૭ ટ્રેન પાણીમાં ડૂબી ગઈ હતી. સબ-વે સ્ટેશનમાં ફસાઈ ગયેલાં ૮૦૦ પેસેન્જર્સને સલામત બહાર કાઢવામાં આવ્યાં હતાં. સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક શહેરમાં પાણીમાં ફસાયેલાં ૨૦૦૦ જેટલાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા.
રાજ્યોની નદીઓ ગાંડીતૂર થઈ જતાં નદીકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. બધા રાજ્યોમાં મળીને એક લાખ ઘરોમાં નુકસાન થયું હોવાના અહેવાલો રજૂ થયા હતા. પ્રમુખ જાે બાઈડને વાવાઝોડાં અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે મેસેજ પાઠવ્યો હતોઃ અમેરિકન સરકાર રાહત કામગીરીમાં મદદ કરી રહી છે. તમામ રાજ્યોની સ્થાનિક સરકાર સાથે મળીને પૂરજાેશમાં બચાવ કામગીરી થઈ રહી છે. આપણે બધા સાથે મળીને આ આફતમાંથી વહેલી તકે ઉગરી જઈશું. જાે બાઈડન આગામી દિવસોમાં વાવાઝોડાં અને પૂર પ્રભાવિત રાજ્યોનું હવાઈ નિરીક્ષણ કરશે.
Recent Comments