fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ શહેરમાં પાણી જ પાણી… લોકોના ઘરમાં પાણી ભરાયા


રાજકોટ શહેરમાં ગત રાત્રિથી વરસી રહેલા ભારે વરસાદ આજે પણ યથાવત્‌ રહ્યો છે. ત્યારે નાગરિકો આવશ્યક અને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળે એવી મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ખાસ અપીલ કરી છે.રાજકોટ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા અને અન્ય અધિકારીઓ દ્વાર નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૧૦૯૦ જેટલા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે બોલબાલા ટ્રસ્ટનાં સાથ સહકાર સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટમાં સૌથી વધુ નીચાણવાળો વિસ્તાર કોઠારિયા અને સોરઠિયાવાડી વિસ્તાર છે. અહીં માથાડૂબ પાણી ભરાયાં છે, આથી ભક્તિનગર પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોય તેવા લોકોની વહારે આવ્યા છે. આજી નદી બની ગાંડીતૂર બનતાં શહેરનો થોરાળાનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

નવો પુલ ચાલુ અને જૂના થોરાળા વિસ્તારના પુલ પર પાણી ફરી વળ્યા છે. પુલની ગ્રિલ પણ તૂટી ગઇ છે. રસ્તા પર ૪થી ૫ ફૂટ પાણી ભરાતાં અસંખ્ય બાઇક અને રિક્ષાઓ બંધ પડતાં લોકો પરેશાન બન્યા છે. રાજકોટની ખોખડદળ નદીમાં પૂર આવતાં રસ્તાઓ બંધ થયા છે. ખોખડદળ નદીમાં પૂર આવતાં પૂરના પાણી ઘરમાં ઘૂસ્યાં છે. વેલનાથપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પૂરનાં પાણી ઘૂસ્યાં છે. ખોખડદળ નદીમાં પૂર આવતાં લોકોનાં ઘરમાં ૪ ફૂટ સુધી પાણી ભરાયાં છે. ગોંડલમાં પણ ભારે વરસાદને કારણે રસ્તા પર ૩થી ૪ ફૂટ પાણી ભરાયાં છે.ભાદરવા મહિનામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધું છે. સાડા ૧૧ ઇંચ વરસાદમાં શહેર આખું જળબંબાકાર બની ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં ૫-૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં છે.

જેમાં શહેરના લલુડી વોકળીનો આખો વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. મકાનોમાં ૫-૫ ફૂટ સુધી પાણી ભરાતાં લોકો ઘરમાં જ ફસાયા છે. ત્યારે ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર માથાડૂબ પાણીમાં દોરડા વડે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયું છે. રાજકોટ શહેરમાં ગઇકાલ રાતથી જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જે બંધ થવાનું નામ જ લેતો નથી. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોની હાલત બહુ જ કફોડી બની છે તેમજ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ફાયર અને પોલીસ વિભાગે રેસ્ક્યૂ-ઓપરેશ તેમજ સ્થળાંતરની કાર્યવાહી હાથ ધરી છે.

કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા દોરડા બાંધી ૨૫ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે. આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતાં રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયાં છે. અધિકારીઓ દ્વારા જવાબદારીની ફેંકાફેંકી થતાં બેદરકારીની અને પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી છે એવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના આગેવાને એકપણ પળનો વિચાર કર્યા વિના અને અધિકારીઓની રાહ જાેયા વિના અનેક લોકોને બચાવ્યા છે. હજુ પોલીસ સિવાય કોર્પોરેશનનો એક પણ અધિકારી ફરક્યો નથી. રાજકોટ વોડ નં.૧૪માં આવેલા હાથીખાના વોકળામાં અધિકારીઓની બેદરકારીને કારણે અનેક લોકો પાણીમાં ફસાયા છે. હાલ ૫૦થી વધારે લોકોને વોકળાના પૂરમાથી કાઢી રેસ્ક્યૂ કરતા કોંગ્રેસ અગ્રણી રણજિત મુંધવા સાથે પોલીસ સ્ટાફ પણ છે.

Follow Me:

Related Posts