કેન્દ્રનાં નેતાને સોંપાઈ મોટી જવાબદારી : ગુજરાતમાં મંત્રીમંડળ માટે હલચલ તેજ
ગુજરાતમાં આગામી બે દિવસમાં નવું મંત્રીમંડળ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે ત્યારે રાજ્યનાં ૨૦થી ૨૫ ધારાસભ્યોને મંત્રી બનાવાય તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીનાં ટોચના નેતાઓ મંત્રીઓની યાદી તૈયાર કરી રહ્યા છે ત્યારે ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તમામ જ્ઞાતિઓને સમાવાઈ લેવાય તે પ્રકારે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે. ભાજપમાં મંત્રીમંડળ માટે ખૂબ હલચલ તેજ છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નિવાસ સ્થાને નેતાઓ પહોંચી રહ્યા છે. આજે મોહન ધોડિયા, અરૂણસિંહ રાણા, રાજેન્દ્રસિંહ ચાવડા, પિયુષ દેસાઈ એમ ચાર ધારાસભ્યો પાટીલના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં છે, એક તરફ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે પૂર આવ્યું છે ત્યાં બીજી તરફ રાજ્યને નવું મંત્રીમંડળ આપવાનું છે ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી જેમા આગામી મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવી છે.
બેઠક બાદ ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં પૂર બાદ હવાઈ નિરીક્ષણ કરવા માટે રવાના થવાના છે. ભારતીય જનતા પાર્ટી બેથી ત્રણ દિવસમાં રાજ્યને મંત્રીમંડળ આપવા માટે તૈયારીમાં છે ત્યારે બધા જ ધારાસભ્યોને ગાંધીનગર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. ભાજપનાં તમામ ધારાસભ્યોને ટેલિફોનિક સૂચના આપીને ૧૫ સપ્ટેમ્બર સુધી ગાંધીનગરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે ૧૬ તારીખે શપથવિધિ યોજાય તેવી શક્યતા છે જેમા ૭ જૂના મંત્રીઓને પડતાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં મંત્રીમંડળને લઈને મોટા સમાચાર સામે આવી રહી છે કે આગામી મંત્રીમંડળને લઈને પીએમ મોદી અને અમિત શાહ ખાસ વિશ્વાસુ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને જ સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવને ગુજરાતમાં બહોળો અનુભવ છે ત્યારે યાદવ આગામી મંત્રીમંડળ રચાય તેની સમગ્ર કામગીરી જાેશે. આ પહેલા ગઇકાલે મોડીરાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બી એલ સંતોષ સાથે બેઠક કરી હતી અને તે બાદ ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપીને તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.
Recent Comments