fbpx
ગુજરાત

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના વિકાસ, સમૃદ્ધિ અને શાંતિ માટે યશસ્વી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરતા અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ૫.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ તેલાવ ખાતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સાણંદ વિભાગ, ડોગ સ્કવોડ કચેરી સાણંદ તથા ચાંગોદર પોલીસ સ્ટેશન, સાણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગનું ઇ – લોકાર્પણ ઉપરાંત કેરાળા જીઆઇડીસી, નળ સરોવર અને હાંસલપુર પોલીસ સ્ટેશનનો ઇ – શુભારંભ કરવામાં આવ્યો હતો.

   શ્રી અમિતભાઇ શાહે આ પ્રસંગે સમગ્ર ગુજરાત અને દેશની જનતાને ગણેશ ઉત્સવની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યના નવનિર્વાચિત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મારા મત ક્ષેત્રના અમદાવાદ જિલ્લાના કાર્યક્રમમા સૌપ્રથમ ઉપસ્થિત રહ્યા છે તેમને હું આવકારું છું. આ ઉપરાંત તેઓએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના વિકાસ, સમૃદ્ધિ અને શાંતિ માટે યશસ્વી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રની ભાજપા સરકારોએ હંમેશા નાગરિકોની સુરક્ષા તેમજ રાજ્ય અને દેશની શાંતિ જળવાઈ રહે તેને પ્રાથમિકતા આપીને અસંખ્ય પગલાંઓ લીધા છે. તેઓએ કહ્યું હતું કે સેતુ એપ્લિકેશન, શી ટીમ અને પોલીસ અધિક્ષકશ્રીની નવનિર્મિત કચેરી, નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા ડોગ સ્ક્વોડ કચેરીના પરિણામે આ વિસ્તારમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિત સુદ્ઢ બનશે.

   શ્રી શાહે કહ્યું હતું કે ગુજરાત પોલીસ દ્વારા કાર્યરત આશ્વશ્ત અને વિશ્વાસ જેવા સ્પેશિયલ પ્રોજેક્ટ ગુજરાતની જનતાની સુરક્ષા અને સમૃદ્ધિ માટે નિરંતર આપણે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત શી ટીમ અને દૂત એપ્લિકેશનની મદદથી મહિલાઓની સુરક્ષા વધુ સુદ્રઢ અને પરિણામલક્ષી બનશે. તેઓએ કહ્યું હતું કે ચાંગોદર, સાણંદ અને કેરાળા જીઆઇડીસી વિસ્તારમાં મહત્વના ઔદ્યોગિક એકમો આવેલા છે અને આ એકમો ગુજરાતના ઓદ્યોગિક વિકાસમાં ખૂબ અગત્યતા ધરાવે છે, આ વિસ્તારો લેબર કેચમેન્ટ ધરાવતા હોવાથી આ ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તથા નાગરિકો શાંતિ અને સલામતીની પ્રતીતિ થાય તે માટે આ નવનિર્મિત પ્રકલ્પો ખૂબ મદદરૂપ પુરવાર થશે. તેઓએ કહ્યું હતું કે અમદાવાદ જિલ્લા સાથે અન્ય સાત જિલ્લાની સરહદ જોડાયેલ છે ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્ર ને જોડતો ધોરીમાર્ગ પણ અહીથી પસાર થાય છે આ માટે ૫.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ પોલીસ સ્ટેશનની વ્યવસ્થાના માધ્યમથી અમદાવાદ જિલ્લાની સુરક્ષા સુનિશ્ચિત થશે.

   શ્રી શાહે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પ્રણાલી મજબૂત કરવા અનેક પગલાંઓ લીધા છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોના કોમ્પ્યુટર દ્વારા જોડાણ, રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના, એફ એસ એલ યુનિવર્સિટીની સ્થાપના સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ની અનેક કંપનીઓ શરૂ કરી આ ઉપરાંત પોલીસ ફોર્સમાં શૂન્ય રિક્ત સ્થાનની સંકલ્પના સાથે દર વર્ષે ૬ હજાર કોન્સ્ટેબલ અને ૧ હજાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સમયાંતરે ભરતી કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી વધુ હાઉસિંગ સેટિસ્ફેકશન રેશિયો ગુજરાત ધરાવે છે.

   શ્રી શાહે ઉમેર્યું હતું કે એક જમાનામાં ગુજરાત કર્ફ્યું કેપિટલ માટે જાણીતું હતું પરંતુ ભાજપ સરકારની નીતિરીતિ અને કડક કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રણાલીના પરિણામે છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતે કર્ફ્યું જોયો નથી. ગુજરાતના પ્રત્યેક મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે સાતત્યપૂર્ણ રીતે પ્રયત્નો કરીને કર્ફ્યુંરાજ માંથી અને સાથે સાથે છાશવારે થતાં રમખાણોમાંથી ગુજરાતને મુક્તિ અપાવી છે. અગાઉના સમયમાં પોરબંદર જિલ્લામાં બોર્ડ લાગેલા રહેતા કે અહીં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. ભાજપાના શાસન બાદ આવા તમામ વિસ્તારોમાંથી ઓર્ગેનાઈઝ ક્રાઇમ, ગુન્હેગારો અને સમાજની શાંતિ અને સલામતી માટે જોખમી એવા તમામ તત્વોને જેર કરીને ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતી મજબૂત કરવામાં આવી છે. જેના કરણે ગુજરાતી ઉદ્યોગિક વિકાસમાં હરણફાળ ભરી છે. તેઓએ કહ્યું હતું કે ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજીથી સુસજજ બને તે માટે રાજ્યની ભાજપા સરકારે “વિશ્વાસ”, “આશ્વસ્ત” જેવા પ્રોજેક્ટ કાર્યરત કરવા ઉપરાંત સાઇબર ક્રાઇમ નાથવા સ્પેશિયલ યુનિટ, બોડી વોર્ન કેમેરા, નાઈટ વિઝન ડ્રોન તથા ૬૧૦૦૦ જેટલી પોલીસ ફોર્સની ભરતી જેવા સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા છે.

   શ્રી શાહે ઉમેર્યું હતું કે રાજ્યમાં પોલીસ વ્યવસ્થાને સહાયભૂત થવા હેતુ કાનૂની ઢાંચાની મજબૂતાઇ અને સમર્થન માટે પણ ગુજસિટોક, મરીન પોલીસ, સ્પેશિયલ યુનિટ જેવા કાયદાના સંશોધનો દ્વારા ભાજપા સરકારે બહુઆયામી પ્રયાસો કર્યા છે.

   શ્રી શાહે અંતમાં તેમનાં સંસદીય ક્ષેત્રમાં નાગરિકોની સુરક્ષા અને સમૃદ્ધિ માટે થઇ રહેલા વિકાસ કાર્યો માટે રાજ્યની ભાજપા સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટેનો માર્ગ અને  કાર્યસંસ્કૃતિ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત આગળ ધપાવશે તેવો શ્રી શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.   આ કાર્યક્રમમાં સાંણદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ/ ઉપ પ્રમુખશ્રી, અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સદસ્યશ્રીઓ, સાણંદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને નગરસેવકો, એપીએમસીના ચેરમેન/ વાઇસ ચેરમેનશ્રીઓ, તેમજ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts