fbpx
રાષ્ટ્રીય

યુપીમાં ભાજપ સાંસદની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી

 

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યે એક ટ્‌વીટમાં જણાવ્યું હતું કે, ભાજપના સાંસદ પર હુમલો કરનારા બધા જ લોકો સામે ઝડપી અને આકરાં પગલાં લેવાનો આદેશ આપી દેવાયો છે.પ્રતાપગઢ જિલ્લાના સાંગિપુર બ્લોકમાં ગરીબ કલ્યાણ મેળા દરમિયાન ભાજપના સાંસદ સંગમલાલ ગુપ્તા સાથે મારપીટ થઈ હતી. આ ઘટનામાં સંડોવાયેલ એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. ગુપ્તાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળાના સ્થળે મને જાેઈને તિવારી અને તેમના ટેકેદારોએ પહેલાં મારો અને મારા કાર્યકરોનો હુરિયો બોલાવ્યો હતો. પાછળથી તેઓ હિંસક બન્યા હતા અને મારા પર હુમલો કર્યો હતો. તેમણે મારી મારપીટ કરી હતી અને મારો કુર્તો ફાડી નાંખ્યો હતો. મારા સિક્યોરિટી પર્સનલ અને ટેકેદારો ગમે તેમ કરીને મને ત્યાંથી છોડાવી ગયા હતા. ત્યાર પછી તેમણે પથ્થરો અને લાકડીથી મારા કાફલાના એક ડઝનથી વધુ વાહનોને નુકસાન પહોંચાડયું હતું.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના સાંસદ સંગમલાલ ગુપ્તાને લોકોએ રસ્તા પર દોડાવી દોડાવીને મારવાની ઘટનાએ યોગી આદિત્યનાથ સરકારની આબરૂના ધજાગરા કરી દીધા છે. જાેકે, આ ઘટનામાં પોલીસે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રમોદ તિવારી અને તેમની પુત્રી આરાધના સહિત ૨૭ લોકો સામે કેસ કર્યો છે. ભાજપ એસસી સેલના રાષ્ટ્રીય મહામંત્રી સંગમલાલ ગુપ્તાને રસ્તા પર દોડાવ્યા પછી નીચે પછાડીને કેટલાક લોકોએ બેફામ ધોલાઈ કરી અને કપડાં ફાડી નાંખ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે વચ્ચે પડીને તેમને બચાવ્યા તો લોકોએ ગુપ્તાની કારમાં તોડફોડ કરીને ગુસ્સો ઠાલવ્યો એવું પણ વીડિયોમાં દેખાય છે.

આ ઘટનાને પગલે સીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. પ્રમોદ તિવારી, તેમની પુત્રી આરાધના મિશ્રા તથા કોંગ્રેસી ધારાસભ્ય મોના મિશ્રા સામે એફઆઈઆર પણ નોંધાઈ છે પણ ભાજપમાં ભારે આક્રોશ છે. સૂત્રોનો દાવો છે કે, સાંગીપુરના કાર્યક્રમમાં પહેલાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ પ્રમોદ તિવારી મુખ્ય મહેમાન હતા. ગુપ્તા અચાનક પહોંચી જતાં તેમને મુખ્ય મહેમાન જાહેર કરાતાં તિવારીના સમર્થકોએ ઉશ્કેરાઈને ગુપ્તાની ધોલાઈ કરી નાંખી. ભાજપના શાસનમાં ભાજપના સાંસદની આ રીતે જાહેરમાં ધોલાઈ થાય એ ભાજપના નેતાઓ માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું છે એવો તેમનો મત છે.

Follow Me:

Related Posts