કોર્ટની માનહાનિથી ન ડરો, પોલીસ મારા કાબૂમાં : વિપ્લવ દેવ
ત્રિપુરામાં સિવિલ સર્વિસ ઓફિસર્સ એસોસિએશનને સંબોધન કરતી વખતે મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવે કહ્યું હતુંઃ આજકાલ અધિકારીઓનો એક વર્ગ કોર્ટની બદનક્ષી થવાના ડરે ઘણી ફાઈલો ક્લિયર કરતા નથી. તેમને લાગે છે કે એવું કરવાથી મુશ્કેલીમાં મૂકાઈ જવાશે, પણ તમે કોર્ટની બદનક્ષીની ચિંતા ન કરો. ઘણાં અધિકારીઓને લાગે છે કે કોર્ટની બદનક્ષી એ વાઘ છે, પણ ખરેખર તો હું વાઘ છું. પોલીસ મારા સંપૂર્ણ નિયંત્રણમાં છે. તમે માત્ર કામ કરવામાં ધ્યાન આપો! મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરકાર ચલાવનારા પાસે વિશેષ પાવર હોય છે. તમે કેટલા અધિકારીઓને બદનક્ષી સબબ જેલમાં જતા જાેયા? તમે જેલમાં જશો એ પહેલાં હું જેલમાં જઈશ. તમે ચિંતા છોડી દો. વિપ્લવ દેવની આ ટીપ્પણી પછી વિવાદ સર્જાયો છે.
વિપક્ષોએ આ નિવેદનની ઝાટકણી કાઢી હતી. સીપીઆઈએમના જિતેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે વિપ્લવ દેવની માનસિકતામાં ભાજપની વિચારધારાના દર્શન થાય છે. આ લોકશાહી માટે ગંભીર છે. તૃણમૂલ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટને વિનંતી છે કે વિપ્લવ કુમાર દેવના આ નિવેદનના આધારે યોગ્ય પગલાં ભરે. વિપ્લવ દેવે આખા દેશનું અપમાન કર્યું છે. આખા દેશની ન્યાય વ્યવસ્થાનું અપમાન કર્યું છે.ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવના નિવેદનથી વિવાદ ખડો થયો છે. મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને એક કોન્ફરન્સમાં સલાહ આપી હતી કે હું વાઘ છું, પોલીસ મારા કાબૂમાં છે, તમે કોઈ કોર્ટની બદનક્ષીની ચિંતા ન કરો. આ નિવેદન પછી વિપક્ષોએ વિપ્લવ દેવની ઝાટકણી કાઢી હતી.
Recent Comments