ગુજરાતમાં ગૌચર જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કર્યું
ગુજરાતમાં પશુઓની વસતિ સામે લઘુતમ જરૃરિયાત કરતાં ઓછું ગૌચર છે છતાં જુદા જુદા હેતુસર જમીન ફાળવણીના કારણો પૂછાતાં સરકારે એવો જવાબ આપ્યો છે કે, ગૌચર જમીન ફાળવણીના વિકલ્પ રૃપે અન્ય સરકારી પડતર જમીન ગૌચર સદરે નીમ કરવામાં આવે છે અને એ રતી હયાત ગૌચરની જાળવણી કરવામાં આવે છે એટલે કે જાેગવાઈઓ અનુસાર ગૌચર જમીન ફાળવવામાં આવી છે, આવા કિસ્સામાં કોઈ અધિકારી સામે પગલાં ભરવાનો પ્રશ્ન ઊભો ઔથતો નથી.ગુજરાતમાં ૩,૭૭૭.૩૮ હેક્ટર ગૌચરની જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યું છે, જે પૈકી છેલ્લાં પાંચ વર્ષમાં ૨૨૭૨.૬૭ હેક્ટર ગૌચર ખુલ્લી કરવામાં આવી હોવાનો સરકારે ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે જવાબ રજૂ કર્યો છે. આ ઉપરાંત એપ્રિલ ૨૦૧૫થી ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ૪,૭૨૮ ગૌચર જમીન પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. આમ ૧૫૦૦થી વધુ હેક્ટર જમીન પર હજુ દબાણો છે.
રાજ્યમાં પંચાયતોની જમીન ઉપર પણ ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યું છે. અન્ય એક સવાલના જવાબમાં સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ગૌચર જમીન પર ગેરકાયદે બાંધકામ કરાયાની ૮૪૦ ફરિયાદો મળી છે, જે પૈકી માંડ ૬૩ ફરિયાદોનો નિકાલ કરાયો છે. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં ૪૮૬.૪૬ હેક્ટર ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણ આચરવામાં આવ્યું હતું, એ જ રીતે ભાવનગર જિલ્લામાં ૪૫૦.૧૮ હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં ૪૧૯.૨૮ હેક્ટર ગૌચર ઉપર દબાણ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં ૨૮૫.૪૯ હેક્ટર, અમદાવાદ જિલ્લામાં ૨૩૧.૭૪ હેક્ટર, બોટાદમાં ૧૨૧.૧૫ હેક્ટર, જૂનાગઢમાં ૨૬૦.૫૬ હેક્ટર ગૌચરમાં દબાણ કરવામાં આવ્યું હતું. જાેકે વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯ એમ પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે ૨૨૭૨ હેક્ટર ગૌચર પરથી ગેરકાયદે દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હોવાનો સરકારનો દાવો છે. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૫૯.૫૪ લાખ ચોરસ મીટર ગૌચર જમીન જુદા જુદા સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશન, નિગમ કે કંપનીઓને જાહેર હેતુ માટે રાજ્ય સરકારે ફાળવી છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ સોમવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના લેખિત સવાલના જવાબમાં ડિસેમ્બર ૨૦૧૯ની સ્થિતિની આ માહિતી આપી છે.
Recent Comments