ડીઝલનો ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટ ભાડા ૧૦ ટકા વધશે
આંતરરાષ્ટ્રીય ક્રૂડ સસ્તુ હતું ત્યારે પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારે ડયુટીમાં ધરખમ વધારો કરી દીધા બાદ હવે ક્રૂડના ભાવ વધવા છતાં આ વધારાયેલ અસહ્ય બોજ કેન્દ્રએ નહીં હટાવતા મોંઘવારી લોકોના સુખચૈનને ભરખી જવા મોં ફાડી રહી છે. આ સિલસિલામાં ૧૮ દિવસથી એકધારા વધતા ડીઝલના ભાવ રૂપિયા ૧૦૦ને પાર થતા રાજકોટના ૭૦૦થી વધુ ટ્રાન્સપોર્ટરોએ સોમવારથી ટ્રાન્સપોર્ટ ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે.
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા અને પેટ્રોલનો ભાવ રૂપિયા ૧૦૦ને પાર ગયો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્ટર તેની સૌથી મોટી અસર થઇ છે. હાલ પેટ્રોલ બાદ ડીઝલના ભાવ પણ રૂપિયા ૧૦૦ને પાર થતા તેની અસર દરેક ક્ષેત્રમાં જાેવા મળી રહી છે.
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ફરી એક વખત ટ્રાન્સપોર્ટના ભાવમાં ૧૦% વધારો કરવા ર્નિણય કર્યો છે જેની અમલવારી સોમવારથી શરૂ કરવામાં આવશે. અગાઉ થોડા સમય પહેલા પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ૨૦% ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ભાડામાં ભાવ વધારાને કારણે ખાદ્ય પદાર્થો, શાકભાજી, ફળફળાદી વધુ મોંઘાં બનશે. ટ્રાન્સપોર્ટ સૂત્રો અનુસાર મુંબઈ ટ્રક મોકલવાનું સરેરાશ ભાડુ ૨૮ હજાર છે જે વધીને ૩૧ હજાર થશે. જ્યારે બેંગ્લોરનું ભાડુ ૬૦ હજારથી વધી ૬૬ હજાર થશે. આંતરિક જિલ્લા હેરફેરમાં આઈસરમાં ૫૦૦૦ થી ૧૦,૦૦૦નું ભાડુ હોય છે તે પણ ૫૦૦ થી ૧૦૦૦ વધશે. એકંદરે રાજકોટથી મોકલાતા માલ પર રોજ ૨૦ થી ૩૦ લાખનો ભાડા ખર્ચ વધશે, આ બોજ શરુઆતમાં ઉદ્યોગકારો પર આવશે અને અંતે માલ ખરીદ્દાર પર જ આવશે એ વાત નિશ્ચિત છે. અગાઉ કોરોના કાળમાં રૂપિયા ૬૪ લિટર લેખે મળતું ડીઝલ રૂપિયા ૮૦ ને પાર થતા ટ્રાન્સપોર્ટરોએ ૨૦ ટકા સુધી ભાડા વધાર્યા હતા, ત્યારબાદ ગત તા. ૨૫ સપ્ટેમ્બરે રૂપિયા ૯૪ માં મળતું ડીઝલ હવે ૧૦૦ ને પાર થતા અને આ ભાવવધારો હજુ અટકવાનું નામ લેતો નથી ત્યારે ટ્રાન્સપોર્ટરો વધુ ૧૦ ટકા ભાડા વધારશે. રાજકોટમાં આશરે ૭૦૦ ટ્રાન્સપોર્ટરો છે. જેમાં ૪૦૦ ટ્રાન્સપોર્ટરો ગુજરાતના બીજા જિલ્લાઓમાં અને દેશના અન્ય રાજ્યોમાં રોજ આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ ટ્રક એટલે કે ૧૫ હજાર ટન સુધીનો માલ મોકલતા હોય છે અને સામે કાચો માલ આવતો હોય છે.
Recent Comments