જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આજે કલેકટર કચેરી ખાતે મળી હતી.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોનાની અસર ઓછી થઇ ગઇ છે ત્યારે કોરોનાને કારણે અટકેલાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થવાં જોઇએ. જેનાથી લોકોને પડતી હાલાકી પણ ઓછી થશે અને સંલગ્ન પ્રોજેક્ટો પણ તેની સમયમર્યાદામાં પૂર્ણ કરી શકાશે.
કલેક્ટરશ્રીએ ચોમાસાના કારણે ખરાબ થયેલાં રસ્તાઓ સત્વરે ચાલું થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવાં માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને બીલા-ઉગલવાડ રોડને ત્વરીત ચાલુ કરવાં માટે તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
આ ઉપરાંત ભાવનગર- અમદાવાદ રોડના વિસ્તરણના કામમાં અડચણરૂપ વીજળીના થાંભલાઓ હટાવવાની કામગીરી પણ તુરંત હાથ ધરવાં માટેની સૂચનાઓ તેમણે આપી હતી.
તેમણે મહુવા ડિવિઝનમાં વીજળીના થાંભલાં ઝડપથી ઉભા કરવાં, બેડા પાણી પુરવઠા યોજના હેઠળના કરલાં, ઇંટીયા વગેરે ગામોમાં પીવાના પાણીની લાઇન નાંખવાં, જેસર તાલુકામાં ખેડૂતોને વળતર ઝડપથી ચૂકવવાં, જેસર – ઉગલવાડમાં સરકારી પડતર જમીન પરના દબાણને દૂર કરવાં માટેનું માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.
કલેક્ટરશ્રીએ આ ઉપરાંત આરોગ્ય વિભાગના જર્જરીત મકાનોની દુરસ્તી તેમજ મરમ્મત માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરવાં માટે આરોગ્ય અધિકારીઓને હિમાયત કરી હતી. અનિયમિત કર્મચારીઓ- અધિકારીઓને નોટિસ આપી કડક હાથે કામ લેવાં માટે પણ તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
તેમણે જિલ્લામાં બીનઅધિકૃત ખનન પર સકંજો કરવાં માટે પેટ્રોલીંગ, સ્થળ તપાસ તથા વીજીલન્સ વધારવાં માટે પોલીસ, આર.ટી.ઓ. તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં અધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ કચેરીઓના વડાઓને દર માસે ATR (એક્શન ટેકન રિપોર્ટ) તેમજ પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી.
ભાવનગર જિલ્લા સેવા સદનના આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલ, મદદનીશ કલેક્ટરશ્રી પુષ્પલત્તા, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર, કાર્યપાલક ઇજનેરશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના જિલ્લાનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments