વડોદરામાં હોસ્પિટલોની લુંટની કુલ ૪૯૧ ફરિયાદથી હાહાકાર મચ્યો
કોરોનામાં વધુ બિલ લીધાની ફરિયાદોમાંથી ૨૩ ફરિયાદો તો સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ થઇ હતી. આ ઉપરાંત આ હોસ્પિટલના સત્તાધીશો સામે દર્દીઓ પાસેથી વધુ રૂપિયા ખંખેર્યા હોય તેવી વધુ ૨૧ ફરિયાદો તો પેન્ડિંગ છે. પાલિકાએ આ હોસ્પિટલ પાસેથી જ રૂપિયા ૪ લાખ ૩૯ હજાર ૨૭૨ રૂપિયાની માતબર રકમ દર્દીઓના સગાઓને અપાવી હતી. દર્દીને વધુ વસૂલેલા રૂપિયા પરત અપાવ્યા હોય તેવી હોસ્પિટલોમાં સ્ટર્લિંગ, બેંકર્સ હાર્ટ, ગુજરાત કિડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સવિતા હોસ્પિટલ, સ્પંદન, પ્રાણાયામ અને સ્વાસ્થ્ય હોસ્પિટલનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોર્પોરેશનની કાર્યવાહીમાં ૨૬૫ ફરિયાદોમાંથી ૫૯ ફરિયાદો પેન્ડિંગ છે.વડોદરામાં કોરોનાની
બીજી લહેર દરમિયાન દર્દીઓને લૂંટનારી હોસ્પિટલો સામે થતી ફરિયાદો વધતી જઈ રહી છે. ફક્ત સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જ ૩૫ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. કોરોનાની સારવારમાં દર્દીના પરિવારજનો પાસેથી નિયમ કરતા વધુ નાણા ખંખેર્યાની શહેરની વિવિધ હોસ્પિટલો સામે છેલ્લા ૧૪ દિવસમાં જ ૬૦થી વધુ ફરિયાદો તંત્ર સમક્ષ થઇ છે. આ સાથે કુલ ફરિયાદોનો આંક ૪૯૧ પર પહોંચી ગયો છે. કઈ કઈ હોસ્પિટલો સામે ફરિયાદ થઈ છે તેની માહિતી આપવાનો કોર્પોરેશને ઈન્કાર કરી દીધો છે. પૂર્વ પ્રધાન યોગેશ પટેલે ગત ૨૪ ઓક્ટોબરે કરેલા નિવેદન અને સ્ટર્લિંગના તબીબ ડૉ.સોનિયા દલાલે દર્દીઓ પાસેથી વધુ નાણા ખંખેર્યા હોવાના સ્ફોટક ખુલાસા કર્યા બાદ રોજની સરેરાશ ૪ ફરિયાદો નોંધાઈ રહી છે. અત્યાર સુધી આવેલી ફરિયાદોમાંથી ૨૬૫ કિસ્સામાં હોસ્પિટલોએ પાલિકાના દબાણથી પરિવારજનોને રૂપિયા ૭૫.૧૦ લાખ રૂપિયા પરત કર્યા છે.
Recent Comments