fbpx
અમરેલી

ગુજરાતને ખેતીક્ષેત્રે વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સટી હેઠળના અમરેલી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઇ કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ સાથે બેઠક કરી હતી.

કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૦૨૨ માં ખેડૂતોની આવક બમણી કરવાના સપનાને સાકાર કરવા માટે કૃષિ વિજ્ઞાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને સારું અને ગુણવત્તાયુક્ત બિયારણ આપવા સમર્થ બન્યા છે.

ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપતા કૃષિમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વાળવા ઝુંબેશ શરૂ કરી છે. આગામી દિવસોમાં અવનવા સંશોધનો થકી સમગ્ર ગુજરાત રાજ્યને ખેતીક્ષેત્રે વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોએ કૃષિમંત્રીશ્રી સાથે સંવાદ કર્યો હતો. બાબરાના સુખપુરના વનરાજભાઈ ઝાપડીયા, સાવરકુંડલાના કૃષ્ણગઢના વિપુલભાઈ મુંજપરા, ગોઢાવદરના ભરતભાઈ નારોલા અને ડ્રેગનફુટ (કમલમ) ફળની ખેતી કરતા સાવરકુંડલાના કૃષ્ણગઢના મનોજભાઈ વોરાએ મંત્રીશ્રી સમક્ષ પોતાના સ્વ અનુભવો જણાવી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત મળી રહેલા લાભો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન. કે. ગોંટીયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ. એમ. ગાજીપરાએ પ્રાસંગિક ઉદબોધન કરી કૃષિ યુનિવર્સિટી વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી. કૃષિમંત્રીશ્રી પટેલ અને મહાનુભાવોશ્રીના હસ્તે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા એચીવમેન્ટ એન્ડ એન્ડેવર રીપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ભાજપ પ્રમુખ ડો. કાનાબાર, કૃષિ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. વી. એન. ગોહિલ તેમજ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ, ખેતીવાડી, બાગાયત અને અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા પ્રગતિશીલ ખેડૂતમિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts