રાજકોટ શહેરનો સૌથી પહોળો ૧૧ કિ.મી. લાંબો ૧૫૦ ફૂટ રિંગ રોડ કે જેમાં ફૂટપાથ, સાઇકલ ટ્રેક, રોડ અને બીઆરટીએસ જેવી વ્યવસ્થા કરી છે અને તેને કારણે મનપાએ ઘણી પ્રશંસા મેળવી છે તે જ રોડ પર સાઇકલ ટ્રેકમાં ઠેર ઠેર દબાણ છે. વાહનોના દલાલોએ મફતનું પાર્કિંગ બનાવી લીધું છે, ચાની હોટેલોએ ફૂટપાથ તો દૂર છેક રોડ સુધી ટેબલ ગોઠવી દીધા છે. આ કારણે સાઇકલ ટ્રેક વધ્યો નથી અને ફૂટપાથ પણ રહી નથી આ સ્થળ પરથી મનપા દબાણ દૂર કરાવી શકતી નથી.રાજકોટ શહેરમાં ચારે તરફ બ્રિજના કામો ચાલી રહ્યા છે આ કારણે લોકોને ફરી ફરીને જવું પડે છે પણ ત્યાં રોડ પરના દબાણોથી વાહનચાલકોના નાકે દમ આવી જાય છે. શહેરમાં અવારનવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાય છે
પણ ફોટોસેશન કરાવીને કામ પૂરું જાહેર કરી દેવાય છે અને થોડા સમય બાદ ત્યાં ફરીથી દબાણ થઈ જાય છે. હજુ સુધી શહેરમાં એક પણ જગ્યા એવી નથી રહી જ્યાં એક વખત દબાણ હટાવાયું હોય અને બીજીવાર ન થયું હોય. શહેરમાં દબાણ ફક્ત એક સમસ્યા નથી પણ સમસ્યાઓને એકબીજા સાથે જાેડતી સાંકળ છે. જેમ કે રોડ પર દબાણ થાય એટલે ત્યાં ચાનો થડો હોય તો વાસણ ધોવાથી માંડી પાન ફાકીના નિકાલ સહિતની બાબતોથી ગંદકી થશે. દબાણને કારણે રોડ સાંકડો બને અને તે જ જગ્યાએ વળી વાહન પાર્ક થતા રોડ પર વાહન ચલાવવા મુશ્કેલ બને છે, અકસ્માતનો પણ ભય છે. આ દરમિયાન જાે કોઇ ગૃહસ્થનું ત્યાં વાહન પાર્ક થાય એટલે વાહન ટો થઈ જાય પણ દબાણ કરનાર સામે કોઇ પગલાં નહિ લેવાય એટલે આખરે તો દબાણને કારણે દંડ સામાન્ય લોકોને જ ભોગવવો પડે છે. આ સમસ્યાનો કોઇ અંત નથી આવતો કારણ કે, એકવખત પણ જાે દબાણ દૂર થાય તો પણ યેનકેન પ્રકારે કોઇને કોઇની ભલામણે ફરીથી ત્યાં દબાણ થઈ જાય છે અને ફરી લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે.


















Recent Comments