વિશ્વમાં ફરી કોરોના હાહાકાર: ઓસ્ટ્રિયામાં ૧૦ દિવસનું લોકડાઉન
રશિયામાં સતત ત્રીજા દિવસે કોરોનાના સાડા બારસો કરતાં વધારે મોત નોંધાયા હતા. રશિયાના ટાસ્ક ફોર્સે કોરોનાના નવા ૩૭,૧૫૬ કેસો નોંધાયા હોવાની જાહેરાત કરી હતી. બુધવારે કોરોના મરણાંક ૧૨૪૭ હતો જે ગુરૂવારે ૧૨૫૧ અને શુક્રવારે ૧૨૫૪ થયો હતો. દરમ્યાન યુએસ રેગ્યુલેટર્સ તમામ પુખ્તોને બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી દીધી છે. હાલ દસ રાજ્યોમાં તમામ પુખ્તવયની વ્યક્તિઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. ફાઇઝર અને મોડર્નાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ર્નિણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ૧૮ વર્ષ કે તેથી વધારે વયની તમામ વ્યક્તિઓ બૂસ્ટર ડોઝ મેળવવાને લાયક ગણાશે. છેલ્લે ઉટાહ અને માસાચ્યુસેટસ રાજ્યોમાં તમામને બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. બાઇડન વહીવટીતંત્રનું ધ્યેય દરેક જણને બૂસ્ટર ડોઝ આપવાનું છે. પરંતુ સપ્ટેમ્બરમાં એફડીએની સલાહકાર પેનલે આ વિચારનો એમ કહીને વિરોધ કર્યો હતો કે મોટાભાગના વય જૂથોમાં હાલ કોરોનાની રસી અસરકારક હોવાથી બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. એ પછી બધાને ફાઇઝરને વધારાનો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી.કોરોના મહામારી શરૂ થઇ તે પછી પહેલીવાર જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના નવા ૬૫,૦૦૦ કેસો નોંધાયા હોવાનું રોબર્ટ કોચ ઇન્સ્ટિટયુટ ફોર ઇન્ફેક્શિયસ ડિસિઝે જાહેર કર્યું હતું. એક અઠવાડિયા પૂર્વે જર્મનીમાં દર એક લાખે ૨૪૯.૧નો ચેપનો દર હતો તે વધીને હવે દર એક લાખે ૩૩૬.૯ થઇ ગયો છે. જેને કારણે દૈનિક કેસોની સંખ્યામાં આ સપ્તાહે ૧૫,૦૦૦નો ઉછાળો આવ્યો છે. ઇન્સ્ટિટયુટના પ્રેસિડેન્ટ લોથર વેઇલરે જણાવ્યું હતું કે અમે હાલ જેટલા ચિંતિત છીએ એટલા અગાઉ ક્યારેય નહોતાં. કોરોના મહામારીને નાથવા તાબડતોબ પગલાં ભરવામાં નહીં આવે તો બહુ ખરાબ ક્રિસમસ જાેવી પડશે. હાલ આપણે ગંભીર ઇમરજન્સી ભણી ધકેલાઇ રહ્યા છીએ. કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા એટલી ઝડપે વધી રહી છે કે ઘણી જગ્યાએ ફ્રી આઇસીયુ બેડ શોધવામાં કલાકો લાગી જાય છે. જર્મનીમાં હાલ ૫૬.૪ મિલિયન લોકોએ કોરોનાની રસી મુકાવી છે. જર્મનીના કેટલાક રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ અને નર્સિંગ હોમના કર્મચારીઓ જેવા પ્રોફેસનલ જૂથોને ફરજિયાત કોરોનાની રસી આપવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. પડોશી ઓસ્ટ્રિયામાં સોમવારથી દસ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવશે અને ફેબુ્રઆરીથી ફરજિયાત રસીકરણ કરવામાં આવશે તેવી ચાન્સેલર એલેકઝાન્ડર શેલનબર્ગે જાહેરાત કરી હતી. બીજી તરફ નોર્વેમાં સરહદ ક્રોસ કરવા પર કડક નિયંત્રણો મુકવામાં આવ્યા છે. વધતા જતાં કોરોનાના કેસોને નાથવા માટે સરકારે હવે નોર્વેમાં પ્રવેશના ત્રણ દિવસ પૂર્વે સરકારી વેબસાઇટ પર તેમના નામની નોંધણી કરાવવી પડશે. નોર્વેજિયન ન્યાય પ્રધાન એમિલિ એન્જર મેહલે જણાવ્યું હતું કે આ નવા નિયમો ૨૬ નવેમ્બરથી અમલમાં આવશે. સોળ વર્ષ અને તેથી વધારે વયના તમામ નોર્વેવાસીઓ તથા વિદેશીઓએ પણ સરકારી વેબસાઇટ પર દેશમાં પ્રવેશવાના ત્રણ દિવસ પૂર્વે નોંધણી કરાવવી પડશે.
Recent Comments