રફ હીરાની આયાત નિકાસ હવેથી જીજેઈપીસીના મેમ્બર હશે તે જ કરી શકશે
દેશમાં અનેક હીરા વેપારીઓ એવા છે કે, જેઓ લાખો રૂપિયાની હીરાની રફની આયાત-નિકાસ કરે છે, પરંતુ જીજેઈપીસીના મેમ્બરો નથી. સરકારના પરિપત્ર બાદ હવે આવા દરેક વેપારીઓએ જીજેઈપીસની મેમ્બરશિપ ફરજિયાત લેવી પડશે. જેના કારણે રફ-હીરાની કેટલી આયાત અને નિકાસ થાય છે તે પણ જાણી શકાશે. જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘જીજેઈપીસીના મેમ્બરો હોય અને રફની આયાત નિકાસ કરતાં હોય તેમની પાસે ૦.૦૨ ટકા રકમની વસૂલાત કરવામાં આવતી હતી, પણ નોન મેમ્બરો પાસે વસૂલાત કરવામાં આવતી ન હતી, જેથી જીજેઈપીસી ગુજરાતે સરકારને રજૂઆત કર્યા બાદ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે, જીજેઈપીસના મેમ્બરો હશે તે લોકો જ હીરાની રફની આયાત અને નિકાસ કરી શકશે. સરકારે હવે એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરને એક જ ચેનલમાં લાવવા માટે તમામ માટે લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. હવે જીજેઈપીસના મેમ્બરો હશે તેવા હીરા વેપારીઓ જ રફ ડાયમંડની આયાત અને નિકાસ કરી શકશે. નેચરલ ડાયમંડના પ્રમોશન માટે જીજેઈપીસી દ્વારા હીરા વેપારીઓ પાસે ૦.૦૨ ટકા વસૂલાતા હતાં. નોન મેમ્બરો દ્વારા આ રકમ (લેવી) આપવામાં આવતી ન હતી. મેમ્બરોની રજૂઆત બાદ ૨૨ નવેમ્બરે કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય દ્વારા પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે, જીજેઈપીસીના મેમ્બરો હશે તેઓ જ હીરાની આયાત-નિકાસ કરી શકશે. કુદરતી હીરાનું પ્રમોશન કરવા માઈનિંગ કંપનીઓ દ્વારા ફંડ ભેગું કરવામાં આવતું હતું. જેમાં ૯૦ ટકા ફંડ ડાયમંડ માઈનિંગ કંપનીઓ આપતી હતી જ્યારે ૧૦ ટકા ફંડ જીજેઈપીસી આપતું હતું. આ ૧૦ ટકા માટે જીજેઈપીસી સભ્યો પાસેથી આયાત-નિકાસ પર ૦.૦૨ ટકાની વસૂલાતી હતી. આમ, દરેક સભ્યએ ૦.૦૨ ટકા જેટલી રકમ ફરજિયાત આપવી પડશે.
Recent Comments