અફઘાનિસ્તાનને અલગ પાડવું વિનાશક હશે: ઈમરાન ખાન
અમેરિકાએ આ વર્ષે પોતાના સૈનિકોને હટાવીને ૨૦ વર્ષ લાંબા અફઘાન યુદ્ધનો અંત લાવ્યો હતો. સૈનિકોની સંપૂર્ણ પાછી ખેંચી લેતા પહેલા, તાલિબાને ઓગસ્ટમાં દેશનો કબજાે મેળવ્યો. પશ્ચિમ દ્વારા સમર્થિત અફઘાન સરકાર પણ તે જ દિવસે પડી ગઈ. તાલિબાનના આગમનથી આ દેશનું વર્તમાન અને ભવિષ્ય ફરી એકવાર અંધકારમાં ડૂબી ગયું છે. અગાઉની સરકાર અને અધિકારીઓ દેશની આવી સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર માને છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાને માત્ર તાલિબાનને જ મદદ નથી કરી, પરંતુ તેણે દેશમાં આતંકવાદીઓને પણ મોકલ્યા છે.અફઘાનિસ્તાનની તબાહી માટે જવાબદાર પાકિસ્તાને ફરી એકવાર તાલિબાનની વકાલત કરી છે. વડાપ્રધાન ઈમરાન ખાને તાલિબાન સરકાર હેઠળ અફઘાનિસ્તાનને અલગ પાડવું ખોટું ગણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનના લોકોને ટેકો આપવા વિનંતી કરતા, તેમણે બુધવારે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રને અલગ પાડવું વિશ્વ માટે “હાનિકારક” હશે. વડાપ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન પરની સર્વોચ્ચ સમિતિની બીજી બેઠકની અધ્યક્ષતા કરતી વખતે, ખાને કહ્યું હતું કે પાકિસ્તાન માનવીય સંકટને ટાળવા માટે અફઘાન લોકોને તમામ સંભવિત રીતે સમર્થન કરશે. અગાઉ એક ટિ્વટમાં, પીએમઓએ ખાનને ટાંકીને કહ્યું હતું કે “અફઘાનિસ્તાનથી અલગ થવું વિશ્વ માટે નુકસાનકારક હશે”. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે વિશ્વ અફઘાનિસ્તાનથી અલગ થવાની ભૂલનું પુનરાવર્તન નહીં કરે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ઈમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને અફઘાનિસ્તાનના નબળા લોકોને સમર્થન આપવા વિનંતી કરી હતી.” વડાપ્રધાન ખાને એ પણ પ્રકાશ પાડ્યો હતો કે પાકિસ્તાને અફઘાનિસ્તાનને પહેલાથી જ પાંચ અબજ રૂપિયાની માનવતાવાદી સહાય પૂરી પાડી છે. જેમાં ખાદ્ય પદાર્થો અને કટોકટી તબીબી પુરવઠો સામેલ છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન પછી અફઘાનિસ્તાનમાં માનવીય મદદ મોટાભાગે બંધ થઈ ગઈ છે. અમેરિકાએ તેની મોટી રકમ પણ જપ્ત કરી છે. જેના કારણે દેશ આર્થિક સ્તરે ઘણો નબળો પડી ગયો છે અને અહીં માનવીય સંકટ પણ વધ્યું છે.
Recent Comments