સમગ્ર રાજયમાં હેડકલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે તેવા જ સમયે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ. સેમેસ્ટર-3નાં ઈકોનોમીકસ વિષયનું પ્રશ્ન પેપર બાબરાની સરદાર પટેલ કોલેજમાંથી પેપર ફૂટી ગયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટ પોલીસે કોલેજના પ્રિન્સીપા, પટ્ટાવાળા અને કલાર્ક સહિત 6 વ્યકિતની અટકાયત કરી છે.
હેડ કલાર્ક પેપર લીક કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ગુજરાત રાજયમાં વધુ એક પેપર ફુટયું છે. ગઈકાલે સામે આવેલી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમ઼ સેમેસ્ટર-3ની ઈકોનોમિકસ વિષયની પરીક્ષા યોજાઈ ગઈ. જો કે, સાંજે વિગતોસામે આવી કે સવારે 10 વાગ્યે પરીક્ષા શરૂ થઈ તે પહેલા 9.11 વાગ્યે જ ઈકોનોમિકસ વિષયનું પ્રશ્નપત્ર વોટસએપમાં ફરવા લાગ્યું હતું. આ અંગે પોલીસે બાબરાની એક કોલેજના પ્રિન્સિપાલ, કલાર્ક, પ્યુન અને જુદી જુદી કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓ શહેર પ્રમુખ શિવલાલભાઈ બારસીયા, શિક્ષણ સેલના દિગ્વિજસિંહ વાઘેલા, આપના છાત્ર સંગઠનના સૂરજ બગડા વગેરેએ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી ધડાકો કર્યો હતો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી રહેલી બી.કોમ઼ સેમેસ્ટર-3ની પરીક્ષામાં ઈકોનોમિકસ વિષયની પરીક્ષાનું પેપર પરીક્ષાના એક કલાક પહેલા જ વોટસએપ ઉપર ફરતું થઈ ગયું હતુ. પેપર ફુટી ગયાનો દાવો કરતા આપના નેતાઓએ તુરંત કુલપતિને રજૂઆત કરી હતી અને કાર્યવાહીની માંગ કરી પૂરાવાઓ રજૂ કર્યા હતા.
આ તરફ માહિતી સામે આવતા જ વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતો, બીજી તરફ કુલપતિએ પરીક્ષાના જવાબદાર અધિકારીને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપતા ઈન્ચાર્જ રજીસ્ટાર અમિત પારેખ ગત સાંજે જ યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધવા પહોંચી ગયા હતા. જો કે, આરોપીઓ કોણ છે ? તે જાણ થયા બાદ જ ફરીયાદ નોંધાઈ તે માટે પોલીસે માત્ર અરજી લઈતપાસ શરૂ કરી હતી. અરજીના આધારે યુનિવર્સિટી પોલીસના પીઆઈ અજીતસિંહ ચાવડા, પીએસઆઈ એ.બી. જાડેજા, એ.બી. વોરા સહિતના સ્ટાફે રાત્રે જ તપાસ ચાલુ કરી દીધી હતી. યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ અજીતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અરજી મળતાની સાથે જ ગઈકાલે સાંજે જ તપાસ શરૂ કરી દીધી હતી. જુદી-જુદી ટીમો કામે લાગી હતી. 10 થી 1પ શકમંદોને પુછપરછ માટે બોલાવાયા હતા, તેઓની પુછપરછ કરાઈ હતી. કોની શું ભૂમિકા છે ? તે હકીકતો સામે લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા હતા અને વહેલી સવાર સુધીમાં આરોપી બહારગામના હોવાથી રાજકોટ લવાયા છે.
આ અંગે આજે પ્રેસ કોન્ફરન્સ યોજતા ડીસીપી ઝોન ર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અમિત શરદચંદ્ર પારેખ (ઉ.વ.પપ) રહે. વૈશાલીનગર 4) એ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તા. ર3ના સવારના લવલી યારો નામના વોટસએપ ગ્રુપમાં મો.નં. 98987 80061 દ્વારા આજની પરીક્ષાનુ પ્રિન્સિપાલ ઓફ મેક્રો ઇકોનોમીકસ-1 વિષયનુ પેપર સવારે 9.11 વાગ્યે મુકવામાં આવ્યું છે, આ પેપરનો સમય સવારના 10.00 નો હોવા છતા સવારના કલાક 9.11 વાગ્યે પેપર લીક થયું છે. જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ,એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાએ પેપર ફુટવા બાબતેની તપાસ કરી મુળ સુધી પહોંચવા સુચના કરી હોય જેથી અમારા સુપરવીઝનમાં ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવી, યુનિવર્સિટી પોલીસના પીઆઇ એ.એસ. ચાવડાની અલગ અલગ ટીમો બનાવામાં આવી જે ટીમો દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાદમાં પોલીસ ઈન્સ્પેકટર એ.એસ. ચાવડા, પીએસઆઈ એ.બી. જાડેજા તથા ડી સ્ટાફ પેપર લીક કૌભાંડ બાબતે તપાસમાં હોય આ દરમ્યાન લવલી યારો ગ્રુપનાનાં એડમીન વિવેક શૈલેષભાઇ વાદી (રહે. કાલાવડ, જી. જામનગર) જેની પુછપરછ કરતા પરીક્ષાના પેપરનો વ્હોટસએપ ગૃપમાં મેસેજ આવેલો હતો તે મેસેજ પોતાની સાથે અગાઉ અભ્યાસ કરતા એલીશ પ્રવિણભાઇ ચોવટીયા (ઉ.વ.19) રહે. કોટડા પીઠા ગામ, તા. બાબરા, જી. અમરેલી)એ મુકેલ હોવાનું જણાવેલ હોય. જેથી એલીશ પ્રવિણભાઇ ચોવટીયાને કોટડાપીઠાથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પેપરનો વ્હોટસએપ મેસેજ પોતાના મિત્ર દિવ્યેશ લાલજીભાઇ ધડુક(ઉ.વ.19) રહે. સાણથલી ગામ, તા. જસદણ)એ મોકલેલ હોય. બાદ દિવ્યેશ લાલજીભાઇ ધડુકને સાણથલી ગામથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા પેપરનો વ્હોટસએપ મેસેજ પોતાના મિત્ર પારસ ગોરધનભાઇ રાજગોર (ઉ.વ.19) રહે. મેવાસાગામ, તા. ચોટીલા, જી. સુરેન્દ્રનગર)એ મોકલેલ હોય જેથી પારસરાજગોરને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો કોલેજ બાબરા ખાતે ફરજ બજાવતા કલાર્ક રાહુલ ભુપતભાઇ પંચાસરા (રહે. બાબરા, જી.અમરેલી)એ મોકલેલ હોવાનું જણાવેલ. બાદ રાહુલ પંચાસરાને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો-કોલેજ બાબરા ખાતે ફરજ બજાવતા પ્રિન્સીપાલ દિલાવર રહિમભાઇ કુરેશી (રહે. પ્રભાસ પાટણ, ગીર સોમનાથ)એ મોકલેલ હોવાનું જણાવેલ જેથી દિલાવર કુરેશીને બાબરા ખાતેથી રાઉન્ડઅપ કરી પુછપરછ કરતા સરદાર પટેલ લો-કોલેજના પટ્ટાવાળા ભીખુભાઇ સવજીભાઇ સેજલીયા(ઉ.વ. 40) રહે. આંબાવાડી, જોશીપુરા, જૂનાગઢ)ના કહેવાથી પેપર લીક કરી કલાર્કને મોકલેલ હોવાનું જણાવેલ હોય જેથી તમામને રાઉન્ડઅપ કરી રાજકોટ લાવવામાં આવ્યા હતા.
આરોપીઓના જણાવ્યા મુજબ પ્યુન ભીખાભાઇ પારસને સગા થતા હોય તેને પેપર આપી મદદ કરવા માટે પેપર ફોડયું હતું. પોલીસને આ પેપર લીકેજ કૌભાંડમાં કોઈ આર્થિક વ્યવહાર થયાનું જાણવા મળ્યું નથી. ડીસીપીના જણાવ્યા મુજબ ઝીણવટપુર્વક અભ્યાસ કરવામાં આવેલ અને આ પેપરની ટ્રાન્સફરના તમામ તબકકાઓનો અભ્યાસ અને ખરાઇ કર્યા બાદ એવુ જણાય આવેલ કે કોલેજના સેન્ટર દ્વારા જ આ પ્રકારનુ કૃત્ય આચર્યા હોવાની શંકા ઉપજેલ હતી, જેથી ઉપરોકત ડિટેઇન કરેલા ઇસમોને ખુબજ જીણવટભરી રીતે પુછપરછ કરતાઆ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સરદાર પટેલ લો-કોલેજ (બાબરા)ના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો દિલાવર રહિમભાઇ ખુરેશી હોવાનુ જણાયેલ અને કોલેજને ફાળવવામાં આવતા પેપરોને કલેકટ કરવાની અને પરત મોકલવાની તેમની ફરજ હતી.
જે પોતાની કાયદેસરની તેમજ નૈતીક ફરજ નેવે મુકી અને આ પ્રકારનુ કૌભાંડ આચરવા માટે પોતાની કોલેજમાં આવેલ ચેમ્બરમાં પોતે એકલા આ પેપર બંચમાંથી કાઢી અને બહાર સપ્લાય કરતો હતો અને પોતે બી.એ. એલ.એલ.બી. અને એલ.એલ.એમ. સુધીનો અભ્યાસ કરેલ હોય જેથી પોતે કાયદાના જાણકાર હોય અને પોતાને સોંપવામાં આવેલ સત્તાનો દુરઉપયોગ કરી આ કૌભાંડ આચરતા હતા. તેવું ખુલતા આઈપીસી કલમ 406, 409, 1ર0(બી), ર01, આઇટી એકટ 7ર બી મુજબ ગુનો દાખલ કરાયો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, હેડકલાર્કની પરીક્ષાકાંડની તપાસમાં બાબરાનાં એક વ્યકિતની સંડોવણી હોવાનું પણ ચર્ચાઈ રહૃાું હોય તપાસનીશ પોલીસ ટીમ સ્થાનિક એક વ્યકિતને પુછપરછ માટે લઈ ગયાનું પણ ચર્ચાઈ રહૃાું છે.
Recent Comments