રાજકોટ શહેરમાં નોંધાયેલા ૨૪ કેસમાંથી ૪ વિદ્યાર્થી પોઝિટિવ છે. જેમાં ત્રણ વિદ્યાર્થી એસએનકે સ્કૂલ અને એક વિદ્યાર્થી આરકેસી સ્કૂલમાં અભ્યાસ કરે છે. એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી ચોપટાની છે. જ્યારે આરકેસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત પરિવારના અન્ય બે સભ્ય પોઝિટિવ છે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૪ એક્ટિવ કેસ થયા છે. જેમાં શહેરમાં ૭૬ અને જિલ્લામાં ૩૮ એક્ટિવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ઓમિક્રોનના ૨ એક્ટિવ કેસ નોંધાયા છે.
આ બંને દર્દી સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરી પરત આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જાેવા મળી રહ્યું છે અને સામાન્ય લક્ષણ જણાતા લોકો પણ સાવચેત બની કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી ખાતે પહોંચી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૩૦૧૨ સંક્રમિત નોંધાયા છે. ગ્રામ્યમાં ૩૮ દર્દી સારવાર હેઠળ જેમાંથી ૩૦ હોમ આઇસોલેટ છે અને ૮ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ ૧૪૯૮૧ થયા છે.રાજકોટ જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેમ દિવસેને દિવસે કોરોનાના કેસ વધવા લાગ્યા છે. રાજકોટ શહેર અને ગ્રામ્યમાં ૨૪ કલાકમાં ૩૬ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ વધી ગઇ છે. કોરોનાનો સૌથી વધારે ખતરો બાળકો પર મંડરાશે તેવું ડોક્ટરોનું કહેવું સાચુ પડી રહ્યું છે. ગઇકાલે ગ્રામ્યમાં ૧૨ કેસમાંથી ૮થી ૧૦ વર્ષના ૫ બાળકો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમજ શહેરમાં ૨૪ કેસમાંથી ૪ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજકોટ શહેરમાં રવિવારે એક સાથે ૨૪ કેસ નોંધાયા હતા. જ્યારે ૧૩ લોકોને રજા આપવામાં આવી હતી. શહેરમાં છેલ્લા સાત મહિના બાદ ૨૪ કેસ નોંધાયા છે. છેલ્લે ૧૧ જૂનના રોજ ૨૪ કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસમાં ઘટાડો થતો ગયો હતો. જિલ્લામાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૬ નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૧૧૪ પર પહોંચી ગઈ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો.
Recent Comments