વડોદરામાં ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનાના કેસમાં વધારો
વડોદરા શહેરમાં ધીમે ધીમે કોરોનાના કેસોનો વધારો થઇ રહ્યો છે. હજી ૪-૫ દિવસ અગાઉ શહેરના પાંચથી છ વિસ્તારોમાં કોરોનાના કેસો આવતા હતા. જે હવે છેલ્લા બે દિવસથી ૧૧ વિસ્તારમાં આવે છે. મંગળવારે શહેરના ૧૧ વિસ્તારોમાં કોરોનાના ૧૭ નવા કેસ આવ્યાં હતા. સવાદ,ગોકુલનગર, સુભાનપુરા, પાણીગેટ, ગોરવા, ગોત્રી, નવીધરતી, દિવાળીપુરા, છાણી, સિંધરોટ અને નવાયાર્ડમાં આ કેસો આવ્યાં હતા. શહેરમાં કુલ કેસો ૭૨,૬૨૮ થઇ ગયા છે. જેમાંથી સૌથી વધુ કેસ પશ્ચિમ વડોદરામાં ૧૨,૨૧૫ આવ્યા છે.
મંગળવારે પણ આ જ ઝોનમાં સૌથી વધુ ૧૧ કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં આ સાથે છેલ્લા ૨૦ દિવસથી એક્ટિવ કેસોની સંખ્યા પણ વધવા માંડી છે. શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં ૧૨૭ નવા દર્દીઓ આવી ચૂક્યા છે. ગત ૮મી ડિસેમ્બરે કોરોનાની સક્રિય સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ૫૫ હતી. જે હવે બમણાથી વધુ થઇને ૨૮મી ડિસેમ્બરે ૧૧૨ પર પહોંચી ગઇ છે. આ દર્દીઓ પૈકી ઓક્સિજન પર માત્ર ૩ દર્દીઓ છે. જે તંત્ર માટે હજી રાહતની બાબત છે. આ ઉપરાંત છેલ્લા ચાર મહિના કરતા વધુ સમયથી સત્તાવાર મોત પણ નોંધાયું નથી.
કોરોનાના કેસોના પગલે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા ૪૭૫ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનના નવા દર્દી છેલ્લા કેટલાક દિવસોથી નોંધાતા નથી વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૬૨૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૨૨ પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૧૫, ઉત્તર ઝોનમાં ૧૧,૯૨૪, દક્ષિણ ઝોનમાં ૧૧,૯૧૧, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૨૮ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં કોરોનાના નવા ૧૭ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૬૨૮ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૮૯૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે.
Recent Comments