લોકો દીવ, દમણની હોટલ અને રિસોર્ટમાં પાર્ટી કરવા પહોંચ્યા હતા
વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરે દારૂની થતી રેલમછેલને ધ્યાનમાં લઇ વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા છેલ્લા ૧૫ દિવસ ઉપરાંતથી વડોદરા શહેર-જિલ્લામાં આવતો દારુ પકડવાનું શરૂ કરી દીધું હતું. પરિણામે ગુજરાતને અડીને આવેલ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને હરીયાણાથી લવાતો દારૂનો વિપુલ જથ્થો ઝડપી પાડવામાં શહેર-જિલ્લા પોલીસને સફળતા મળી હતી. આમ છતાં શહેર-જિલ્લામાં ઠલવાઇ ગયેલ દારૂનું વેચાણ ન થાય તે માટે પણ વોચ ગોઠવી દેવામાં આવી હતી. પરિણામે નાના-મોટા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.વિદાય લેતા વર્ષનો અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બર હોવાથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રોમાં કર્મચારીઓની પાંખી હાજરી જાેવા મળી હતી. સુસવાટા મારતા ઠંડા પવનના કારણે થ્રીડી પાર્ટીઓના શોખીનોમાં અનેરો ઉત્સાહ ઉમંગ જાેવા મળ્યો હતો. તો બીજી તરફ વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ સવારથી જ ચાંપતા બંદોબસ્ત સાથે બાજ નજર ગોઠવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલો, રિસોર્ટ અને ફાર્મહાઉસોમાં ચેકિંગ શરૂ કરી દીધું હતું.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાની શરૂ થયેલી ત્રીજી લહેરના પગલે સરકાર દ્વારા રાત્રે ૧૧ વાગ્યાથી કર્ફ્યૂ લાદી દેતા અને ગુજરાતમાં દારૂબંધી હોવાથી શહેરના અનેક પરિવારો તેમજ મિત્રોના ગૃપો વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને થ્રીડી પાર્ટી સાથે મનાવવા માટે દીવ, દમણ, અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા પ્રવાસી સ્થળોએ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વવ્યાપી કોરોનાની મહામારી વચ્ચે પસાર થયેલા વર્ષ-૨૦૨૧ને ઉત્સાહભેર વિદાય આપવા અને નવા વેરીઅન્ટ ઓમિક્રોનને લઇને આવી રહેલા વર્ષ-૨૦૨૨ને જુસ્સાભેર આવકારવા માટે વર્ષના અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બરને ઉજવવા માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ જાેવા મળ્યો હતો. વર્ષના અંતિમ દિવસને મનાવવા અને નવા વર્ષને આવકારવા માટે કેટલાક લોકો વહેલી સવારે દીવ, દમણ, તેમજ ગુજરાત બહાર આવેલા રિસોર્ટ અને હોટલોમાં રવાના થયા હતા. તો વળી કેટલાક લોકો પૂર્વ રાત્રે રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જાેકે, પોલીસની ધોંસ હોવા છતાં, શહેર-જિલ્લામાં દારૂનું વેચાણ થઇ રહ્યું છે. પરંતુ, વડોદરામાં દારૂબંધી છતાં ગેરકાયદે વેચાતા દારૂના ભાવો વધુ થઇ ગયા હોવાથી અને પોલીસ તંત્ર દ્વારા બાજ નજર હોવાના કારણે થ્રીડી પાર્ટીના શોખીનો વડોદરા છોડી દીવ, દમણ, અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ જવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક લોકો દ્વારા પોલીસ ન પહોંચે તે રીતે પાર્ટીઓનું આયોજન કરી દેવામાં આવ્યું છે. તો કેટલાક લોકો દ્વારા ગુજરાતની બહાર આવેલા રિસોર્ટ અને હોટલો ભાડે કરીને થ્રીડી પાર્ટીઓનું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
Recent Comments