fbpx
ગુજરાત

પશુસેવામાં સંકળાયેલા પશુપ્રેમીઓનું સન્માન કરવા કેન્દ્ર સરકારની પહેલ

વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સરકારે પ્રાણીઓ સામેની ક્રૂરતા અને ગુનાઓને રોકવા માટે નિયમો અને કાયદા ઘડ્યા છે, જે અંતર્ગત પ્રિવેન્શન ઑફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960 હેઠળની જોગવાઈ અનુસાર પગલાં લેવામાં આવે છે.

આ માટે ભારત સરકારે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કેન્દ્રવર્તી સંસ્થાની સ્થાપના કરી છે, જે વર્ષ 1962થી કાર્યરત છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા પશુકલ્યાણકાર્યોને પ્રોત્સાહન આપવા અને પ્રાણીઓ પર થતા ગુનાઓને અંકુશમાં લેવા માટે તમામ પ્રકારની સહાય અને પ્રોત્સાહન આપે છે. બોર્ડ પશુપ્રેમીઓ અને જીવ કલ્યાણ કાર્યકર્તાઓનું પણ સન્માન કરે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા બે રાષ્ટ્રીય સન્માનો – “પ્રાણીમિત્ર અને જીવદયા એવોર્ડ” પ્રદાન કરે છે. બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં લગભગ ત્રણ ડઝન પશુપ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટે પુરસ્કારોની ઘોષણા માટેની અરજીની છેલ્લી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવવાની છે. ગયા વર્ષે 14 પશુપ્રેમીઓને આ એવોર્ડ આપીને પશુકલ્યાણકાર્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

પશુકલ્યાણ પરના પુરસ્કારોની જ્યારે ચર્ચા થાય છે ત્યારે “પ્રાણીમિત્ર” અને “જીવદયા” પુરસ્કારોનાં નામ યાદ આવે તે સ્વાભાવિક છે. પ્રાણીમિત્ર પુરસ્કારની સ્થાપના વર્ષ 1966માં કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. એસ. રાધાકૃષ્ણને રાષ્ટ્રપતિ ગૃહમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી જયંતીલાલ એલ. માનકરને આપવામાં આવ્યો હતો. પછી વર્ષ 1967માં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી ફ્રેની એસ. કેવાડિયા અને શ્રી ધર્મલાલ સિંહને આ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ જ શ્રેણીમાં, વર્ષ 1968માં શ્રીમતી રૂકમણિ દેવી અરુંડેલને તેમના વિશિષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ દ્વારા પ્રાણીમિત્ર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે, આ પહેલાં જ્યારે પણ શ્રીમતી રુક્મણી દેવી અરુંડેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યારે તેમણે તેમના સિનિયર્સ અને ફિલ્ડમાં કામ કરતા પ્રાણીપ્રેમીઓને આપવાની વિનંતી કરી હતી અને પોતે એવોર્ડ લીધો નહોતો. શ્રીમતી અરુ઼ંડેલ અદભુત નૃત્યકળા અને પશુપ્રેમ આધારિત યોગદાન બદલ વર્ષ 1952માં રાજ્યસભાનાં સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેનું પરિણામ એ છે કે વર્ષ 1954માં પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ ખાનગી ખરડાને તેમણે સંસદમાં રજૂ કર્યો ત્યારે તત્કાલીન વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુની વિનંતીથી ખાનગી ખરડાના સ્થાને સરકારી ખરડો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ શ્રીમતી રૂકમણિ દેવી અરુંડેલના કાર્યથી ખૂબ પ્રભાવિત હતાં. તેમની અંગત ભલામણથી 1954માં રોયલ સોસાયટી ફોર ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ – RSPCA, લંડને  તેમને “ક્વિન વિક્ટોરિયા મેડલ”થી સન્માનિત કર્યાં હતાં. પ્રાણીમિત્ર એવોર્ડની શરૂઆતથી લઈને વર્ષ 1977 સુધી કુલ 14 પ્રાણીમિત્ર એવોર્ડ આપવામાં આવ્યા હતા.

વર્ષ 1977 પછી પ્રાણીમિત્ર એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરી શકાયું નથી. વર્ષ 2000થી પ્રાણીમિત્ર પુરસ્કાર આપવાનો આ ચીલો ફરી શરૂ થયો. આ દરમિયાન જીવદયા પુરસ્કારની નવી યોજના પણ બહાર પાડવામાં આવી, જે દર વર્ષે વધુ પશુપ્રેમીઓને સન્માનિત કરવાની તક લાવી. વર્ષ 2000માં આયોજિત કાર્યક્રમમાં પાંચ પશુપ્રેમીઓને પુરસ્કાર આપવામાં આવ્યો. આ ચીલો મુખ્ય ન્યાયાધીશ ગુમાનમલ લોઢાના કાર્યકાળથી શરૂ થયો અને તેમના કાર્યકાળ સુધી ચાલુ રહ્યો હતો. બાદમાં ટેક્નિકલ અને વહીવટી કારણોસર સન્માન આપી શકાયું નહોતું. આ એવોર્ડ કાર્યક્રમ 2020થી ફરી શરૂ કરવામાં આવ્યો હતો અને કુલ 14 પશુપ્રેમીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરસ્કારોની બંને કેટેગરીમાં, જેમાં સાત કેટેગરીનો પ્રાણીમિત્ર એવોર્ડ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ત્રણ કેટેગરીને જીવદયા એવોર્ડમાં સામેલ કરવામાં આવી છે. આ વર્ષે બાળકોની કેટેગરી પણ ઉમેરવામાં આવી હોવાથી એક કેટેગરીનો વધારો થયો છે. આનો અર્થ એ કે પશુપ્રેમી બાળકો પણ હવે આ સન્માનનાં હકદાર બનશે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ લીધેલા નિર્ણય અનુસાર, પ્રાણીમિત્ર અને જીવદયા પુરસ્કારોની એન્ટ્રી જાન્યુઆરી 2022ના મધ્યમાં એકત્રિત કરવામાં આવશે અને વર્ષ 2022 માટેનો એવોર્ડ એનિમલ વેલફેર ડે વસંત પંચમીના રોજ એનાયત કરવામાં આવશે.

શરૂઆતના દિવસોમાં, પુરુસ્કાર તરીકે 14 કેરેટ સુવર્ણપદક તથા રજતપદક, પ્રશસ્તિપત્ર, પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવતા હતા. હાલમાં તેમાં સુધારા કરવામાં આવ્યા છે, જે અંતર્ગત રજતપદકના સ્થાને હવે શિલ્ડ-મોમેન્ટો આપવામાં આવે છે અને રોકડ પુરસ્કાર આપવામાં આવતો નથી. રોકડ પુરસ્કારની વ્યવસ્થા પોતાનો જીવ ગુમાવનાર પશુપ્રેમીઓ માટે મુખ્ય ન્યાયાધીશ  ગુમાનમલ લોઢાના કાર્યકાળ દરમિયાન કેટલાંક વર્ષો માટે ₹ પાંચ લાખ આપવાનો નિર્ણય લેવાયો હતો, જે હાલમાં કેટલાક ટેક્નિકલ કારણોસર ચાલુ નથી. આનંદની વાત જોકે એ છે કે હાલમાં એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં કર્મઠ પશુપ્રેમીઓને સન્માનિત કરવા માટેનું પગલું લેવામાં આવ્યું છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બોર્ડની એવોર્ડ યોજના આગળ પણ અસ્ખલિતપણે ચાલતી રહેશે.

પુરસ્કાર યોજનામાં જોડાવા માટે, પુરસ્કાર સંબંધિત સંપૂર્ણ માહિતી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ: http://www.awbi.in/ની મુલાકાત લઈને મેળવી શકાય છે અથવા animalwelfareboard@gmail.com પર ઇમેઈલ કરીને અથવા બોર્ડને પત્ર લખીને માહિતી મેળવી શકાય છે. ગયા વર્ષે પ્રાણીમિત્ર અને જીવદયા એવોર્ડ જેમને આપવામાં આવ્યા હતા તેવા લોકોમાં, પ્રાણીમિત્ર પુરસ્કારોની શ્રેણીમાં – શ્રી યોગેન્દ્ર કુમાર, નવી દિલ્હી, શ્રી મનીષ સક્સેના, જયપુર, રાજસ્થાન અને શ્રી શ્યામલાલ ચૌબીસા, ઉદયપુર, રાજસ્થાન; પ્રાણીમિત્ર પુરસ્કાર શૌર્ય કેટેગરીમા- શ્રી અનિલ ગણદાસ, ગુરુગ્રામ, હરિયાણા, સ્વ. શ્રીમતી કલ્પના વાસુદેવન, કોઇમ્બતુર, તામિલનાડુ; પ્રાણીમિત્ર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કેટેગરીમાં- મેજર જનરલ (સેવાનિવૃત્ત) ડો. આર. એમ. ખરબ, એવીએસએમ, ગુડગાંવ, હરિયાણા, ડૉ. એસ ચિન્નીકૃષ્ણા, ચેન્નાઈ, તામિલનાડુ અને ડૉ. એસ.આર સુંદરમ, ચેન્નાઈ, તામિલનાડુ હતા. પ્રાણીમિત્ર એવોર્ડ પશુકલ્યાણ સંસ્થા શ્રેણીમાં- વર્લ્ડ સંકીર્તન ટૂર ટ્રસ્ટ, હોડલ, હરિયાણા, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ, ગુજરાત અને પીપલ ફોર એનિમલ્સ. અમદાવાદ, ગુજરાત હતી. એ જ રીતે, પ્રાણીમિત્ર એવોર્ડની કોર્પોરેટ કેટેગરીમાં- ટાટા ટ્રસ્ટ ફાઉન્ડેશન, મુંબઈ, મહારાષ્ટ્રને સન્માનિત કરવામાં આવ્યું હતું. જ્યારે જીવદયા પુરસ્કારની પશુકલ્યાણ સંગઠન કેટેગરીમાં ધ્યાન ફાઉન્ડેશન, નવી દિલ્હી અને એનિમલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ઉદયપુર, રાજસ્થાનનું સન્માન કરવામાં આવ્યું હતું.

અત્રે જણાવવું આવશ્યક છે કે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા દેશની સર્વોચ્ચ પશુકલ્યાણ સંસ્થા છે. આપણે જાણીએ છીએ તેમ, શ્રીમતી રૂકમણિ દેવી અરુંડેલ દ્વારા 1962માં બોર્ડ એક્ટ 1960 (1960ના નંબર 59)ની કલમ ચાર હેઠળ તેની સ્થાપના કરવામાં આવી હતી. છેલ્લા છ દાયકાઓથી બોર્ડ પશુકલ્યાણ ચળવળના નેતૃત્વની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. બોર્ડ પશુકલ્યાણની જોગવાઈઓનો સરળતાથી અમલ થાય તે સુનિશ્ચિત કરે છે, પશુકલ્યાણ સંસ્થાઓને અનુદાન આપે છે અને રાજ્ય અને કેન્દ્ર સરકારોને પશુકલ્યાણની બાબતોમાં સલાહ આપે છે. બોર્ડમાં કુલ 28 સભ્યો છે. તેમના સભ્યપદની મુદત ત્રણ વર્ષ હોય છે.આ સમયગાળો પૂરો થયા પછી કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડની પુનઃરચના કરવામાં આવે છે. પશુકલ્યાણનાં કાર્યો હાથ ધરવા માટે કામ કરતી દેશભરની સ્વૈચ્છિક સંસ્થાઓને અનુદાન આપનારી બોર્ડ દેશની એકમાત્ર સંસ્થા છે. ગ્રાન્ટની સહાય મેળવવા માટે પશુકલ્યાણની દિશામાં કામ કરતી સંસ્થાઓને સૌપ્રથમ બોર્ડ દ્વારા માન્યતા લેવી પડે છે, ત્યારબાદ માન્ય સંસ્થાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે. હાલમાં બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત લગભગ 4,000 પશુ કલ્યાણ સંસ્થાઓ બોર્ડની માર્ગદર્શિકા હેઠળ કામ કરી રહી છે. આ સંસ્થાઓમાં લગભગ 65થી 70 ટકા ગૌશાળાઓ અને પાંજરાપોળો છે. બાકીની સંસ્થાઓમાં પશુકલ્યાણ એનજીઓ, એસ.પી.સી.એ. અને પીએફએ તથા બ્લુ ક્રોસ જેવી સંસ્થાઓ સામેલ છે. હાલમાં, બોર્ડ મુખ્યત્વે ચાર કેન્દ્રીય યોજનાઓ માટે સહાય પૂરી પાડે છે, જેમ કે આશ્રય અનુદાન, પશુજન્મ નિયંત્રણ, કુદરતી આફતમાં પશુ બચાવ કાર્યક્રમ અને એમ્બ્યુલન્સ ખરીદી માટેની સહાય મુખ્ય છે. બોર્ડ નિયમિત અનુદાન સ્વરૂપે દર વર્ષે સંસ્થાઓની યોગ્યતા મુજબ અનુદાન પણ આપે છે. બોર્ડ દ્વારા આપવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાં પશુકલ્યાણની પ્રવૃત્તિઓ માટે નાણાં આપવામાં આવે છે.

Follow Me:

Related Posts