અમરેલી તાલુકાના વરસડા ગામે સામાન્ય બાબતે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
અમરેલી તાલુકાના નાનકડા વરસડા ગામે નજીવી બાબતે ગત મોડીરાત્રિના સમયે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. એક જ જ્ઞાતિના બે વ્યક્તિઓ વચ્ચે થયેલી બોલાચાલીના અંતે એક શખ્સે છરીના ઘા વરસાવી અન્ય વ્યક્તિને ભરબજારમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી તાલુકા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિગત અમરેલી તાલુકાના વરસડા ગામે ખેતી કામ કરી ગુજરાન ચલાવી રહેલા અને ધાર્મિક આશ્રમોમાં સેવાપૂજા અને માલઢોરની સેવા કરતા ચંપુભાઈ રામભાઈ વાળાની તેમના જ ગામના ચંપુભાઈ વલકુભાઈ ધાધલ દ્વારા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી નાખી હતી. મોડી રાતે આ ઘટના બની હતી મૃતક ચંપુભાઈ વાળા તેમજ તેમની સાથેના લોકો બાપુના સ્થાનિક રણછોડબાપુના આશ્રમમાં કલરકામ માટેનો ફાળો લેવા નીકળ્યા હતા.
તે દરમિયાન તેમના જ ગામનો ચંપુ ધાધલ નામનો શખ્સ દ્વારા મૃતકના પિતા-દાદા વિષે ટિપ્પણી કરતા અને ત્યાર બાદ બોલાચાલી થતા ચંપુભાઈ ધાધલ નામના શખ્સે ફાળો લેતો જા તેમ કહી પોતાના કમર પર લટકાવવામાં આવેલ છરી કાઢીને છાતીના ભાગે ઘા મારી દીધા હતા. મૃતકની સાથે રહેલા લોકો સારવાર માટે અમરેલી ખાતે લઈને આવ્યા હતા તે દરમ્યાન તેનું મોત થયું હતું અને ફરજ પરના ડોકટરો દ્વારા મૃતક જાહેર કરતા સમગ્ર મામલો હત્યામાં પલટાય ગયો છે. આ અંગે અમરેલી તાલુકા પોલીસમાં મૃતકના પુત્ર જયવીર ચંપુભાઈ વાળા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવીહતી. આ ઘટનાને લઈને અમરેલી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે, અમરેલીના ડીવાયએસપી જગદીશસિંહનું ભંડારીના જણાવ્યા પ્રમાણે આરોપી હાથ વેંતમાં છે અને ટૂંક સમયમાં ઝડપાઈ જશે અને અમરેલી પોલીસ ઘટનાને લઈને તપાસ હાલ ચલાવી રહી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી ચાલુ છે.
Recent Comments