અમરેલી

ખાંભામાં ખજૂરભાઈની દરિયાદિલી, બે મકાન માત્ર ૪ દિવસમાં નવા બનાવ્યા

ખાંભામાં વાવાઝોડામાં જર્જરીત થયેલ બે વૃદ્ધનું મકાનને ખજુરભાઈએ માત્ર 4 દિવસમાં નવું બનાવી આપતા ફરી દરિયાદિલી બતાવી છે.

ખાંભા પંથકમાં તાઉતૈએ વીનાશ વેર્યો હતો. અનેક મકાન પડી ગયા હતા. ત્યારે ખાંભાના ભગવતીપરામાં રહેતા ફૈબાબેન બાવકુભાઈ ધાંધલ અને અજવાળીબેન ભનુભાઈ મહેતાના મકાન પણ જર્જરીત થયા હતા. બંને વૃદ્ધા હોવાથી નવા મકાન બનાવી શકવા અશક્ત હતા. આવા સમયે સેવાકીય કાર્યમાં અગ્રેસર અને વાવાઝોડા સમયે અનેક ઘરો સુધી રાશન પહોંચાડનાર અને મકાનો બનાવી આપનાર નિતીનભાઈ જાની ઉર્ફે ખજુરભાઈ અને તેમની ટીમ, ખાંભાના ભગવતીપરામાં પહોંચી હતી અને સર્વે હાથ ધર્યો હતો.
સર્વે બાદ અહી ચાર દિવસમાં જ બંને વૃદ્ધને નવા મકાન બનાવી આપ્યા હતા. સાથે સાથે ફૈબાબેન ધાંધલને એક વર્ષ સુધી ચાલે તેટલા રાશનની વ્યવસ્થા પણ કરી અપાઈ હતી. આ પ્રસંગે ખજુર ઉર્ફે નિતીન જાનીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમારી ટીમે 135 જેટલા મકાનો બંધાવી આપ્યા છે. અને આગામી સમયમાં પણ અમારી ટીમને ધ્યાને આવનાર નિરાધાર વ્યક્તિઓની મદદમાં તત્પર રહશે. ભગવતીપરામાં રહેતા સુરેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં વૃદ્ધને મકાન પડી ગયું હતું. અજવાળીબેન પ્રજ્ઞાચક્ષુ છે. જેની જાણ નીતિનભાઈની ટીમને કરાતા માત્ર ચાર જ દિવસમાં નવું મકાન બનાવી દેવાયું છે. આ ટીમની સેવાકીય પ્રવૃતિ કાબિલે તારીફ છે.

Related Posts