fbpx
ગુજરાત

૯ જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થતાં કાતિલ ઠંડી શરૂ થશે


રાજ્યમાં ૯થી ૧૩ જાન્યુઆરી દરમિયાન ઠંડીનો દોર રહેશે. ત્યાર બાદ ૧૬થી ૧૮ જાન્યુઆરી સુધી ફરીવાર વાતાવરણમાં પલટો આવશે. માવઠાને પગલે ખેડૂતોને માથે વધુ મુશ્કેલીઓ આવશે. માવઠાથી મકાઈ, રજકો, જીરૂં. ધાણા, ઘઉં, મેથી જેવા રવિ પાકને ભારે નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ગુજરાતને છેલ્લા બે મહિનામાં ત્રીજી વખત માવઠાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં આવેલા વાતાવરણના પલટાને કારણે ઠંડીમાં વધારો થયો છે. દિવસનું તાપમાન સામાન્યથી ઓછું નોંધાતા દિવસે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ૬ જાન્યુઆરીએ કૃષિ વિભાગને આદેશ આપ્યો છે કે, ખેડૂતોના પાકને કેટલું નુકશાન થયું છે તેનો સર્વે કરવો. કૃષિ મંત્રીના કહ્યા પ્રમાણે હજુ રાજયમાં કમોસમી વરસાદ આવશે તેવી આગાહી છે. એકાદ-બે દિવસમાં વરસાદ પડે તેમ હોવાથી અત્યારે તાત્કાલિક સર્વે હાથ ધરવો ફરજીયાત નથી, પણ આગાહીના દિવસો પુરા થઇ જાય પછી સર્વે હાથ ધરશે. રવિ પાકમાં જીરુ, કપાસ, ઘઉ, રાયડો, ચણા, એરંડા, તુવેર, મરચાને નુકશાન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે.છેલ્લા બે મહિનામાં સમગ્ર રાજ્યમાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતો પરેશાન થઈ ગયાં છે. ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યના ૬૦ તાલુકાઓમાં માવઠું થયું હતું. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમા આગામી ૨૪ કલાકમાં માવઠું થઈ શકે છે.

ત્યાર બાદ પવનની દિશા બદલાશે. તે ઉપરાંત ૯મી જાન્યુઆરીથી વાતાવરણ સુકુ થશે અને ફરી કાતિલ ઠંડી શરૂ થશે. ૯ જાન્યુઆરી બાદ તાપમાન ૫ ડિગ્રી સુધી ગગડવાની આગાહી છે. જેને કારણે ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્‌યુલેશનને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. આગામી ૨૪ કલાક દરમિયાન વાતાવરણ યથાવત રહેશે. આજે ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડશે. જ્યારે ૯ જાન્યુઆરીથી વાતાવરણ સૂકું બની જશે. જેના કારણે ખેડૂતોને માવઠાની ચિંતા નહીં રહે પરંતુ પારો ગગડશે.કમોસમી વરસાદ બાદ ઠંડીનું જાેર વધશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને વાતાવરણ સૂકુ બની જશે અને ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

Follow Me:

Related Posts