વડોદરા શહેરમાં પોઝીટીવીટી રેટ વધીને ૮.૨ ટકા થયો
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે શહેર-જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૮૬૨ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં ગઇકાલે ૧૦૭૭૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૮૬૨ કેસ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાનો પોઝિટિવિટી રેટ વધીને ૮.૨ ટકા થઇ ગયો છે. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા ૭૬,૩૭૭ ઉપર પહોંચી ગઇ છે. આજે વધુ ૨૩૧ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૭૩,૦૦૩ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં ૨૭૧૧ એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી ૨૪૫૪ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે,
જ્યારે ૧૫૭ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૮ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૮ દર્દીઓ આઇસીયુમાં અને ૬૨ દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલમાં ૨૯૮૪ દર્દીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં જેતલપુર, બાજવા, વારસીયા, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, છાણી, યમુનામીલ, તાંદલજા, સમા, અકોટા, હરણી,સુદામાપુરી, ફતેપુરા,રામદેવનગર, માંજલપુર, બાપોદ અને વાઘોડિયા કોરોનાના નવા કેસો નોંધાયા છે. વડોદરામાં ઝોન પ્રમાણે નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં ૧૭૭, પશ્ચિમ ઝોનમાં ૨૦૩, ઉત્તર ઝોનમાં ૨૧૧ અને દક્ષિણ ઝોનમાં ૧૮૫ કેસ નોંધાયા હતા. આમ કોરોનાનું સંક્રમણ સમગ્ર શહેરમાં ફેલાઇ ગયું છે. બીજી તરફ વડોદરા રૂરલમાં ૮૬ કેસ નોંધાયા હતા
વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો મળીને રોજના ૫૦ હજાર ઉપરાંત મુસાફરો શહેરમાં અવરજવર કરે છે, બીજી લહેર દરમિયાન થોડા દિવસ રેલવે સ્ટેશન પરિસરની બહાર પાર્કિંગ એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ કરાતું હતું. પરંતુ, ત્રીજી શરૂ થયા બાદ હજી રેલવે સ્ટેશન- અને એસટી ડેપો ખાતે કોઈ પણ પ્રકારનો ટેસ્ટિંગ કરાતું નથી ડેપો પર રોજની ૧૨૦૦ બસની અવર-જવર છે. એસટી ડેપો પર ટેસ્ટિંગ કેમ થતું નથી તે અંગે આરોગ્ય વિભાગ પાસે કોઈ ચોક્કસ જવાબ નથી.કોરોના સંક્રમિત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. યોગેશ પટેલના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, યોગેશ પટેલની તબિયત સારી છે, પરંતુ, ઘર કરતા હોસ્પિટલમાં આરામ વધુ મળે એટલા માટે જ દાખલ કરવામાં આવ્યા છે.
Recent Comments