સૂરત માં ફરી અંગદાન હાથ સહિત લીવર,કિડની,ચક્ષુ નું અંગ દાન કરાયા
સુરત ના કાપોદ્રા વિસ્તાર માં રહેતા કનુભાઈ ને લકવાનો હુમલો થતા તેઓને કિરણ હોસ્પીટલમાં ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ઇન્ટરવેશનલ રેડીઓલોજીસ્ટ ડૉ.જીગર આહયાએ સર્જરી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.ગુરુવાર, તા.૨૦ જાન્યુઆરીના રોજ કિરણ હોસ્પીટલના ડોક્ટરોએ કનુભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખશ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી કનુભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી…ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાને અંગદાનનું મહત્વ સમજાવી જણાવ્યું કે તમે તમારા સ્વજનના કિડની અને લિવરનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તે માટે તમને વંદન છે…સલામ છે… પરંતુ આપણા દેશમાં કેટલાયે વ્યક્તિઓના હાથ અકસ્માતમાં કપાઈ ગયા હોય છે અને તે વ્યક્તિઓ તેઓનું સામાન્ય જીવન જીવી શકતા નથી.
જો આપ તમારા સ્વજનના કિડની અને લિવરના દાનની સાથે હાથનું દાન કરવાની સંમતિ આપો તો અકસ્માતમાં હાથ કપાઈ ગયેલા વ્યક્તિઓને નવુંજીવન મળી શકે….કનુભાઈના પુત્રો કલ્પેશભાઈ, મયુરભાઈ, આનંદભાઈ, ભત્રીજા વિપુલભાઈ અંબાલાલભાઈ વઘાશિયાએ થોડો સમય લઈ કનુભાઈના પત્ની શારદાબેન સાથે વિચાર વિમર્શ કરી કિડની અને લિવરના દાનની સાથે હાથના દાનની પણ સંમતિ આપતા જણાવ્યું કે અમારા પિતાજી ખુબજ લાગણીશીલ અને સેવાભાવી હતા, તેઓએ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે ત્યારે તેમના કિડની અને લિવરની સાથે હાથના દાન દ્વારા કોઈ જરૂરિયાતમંદ દર્દીને નવુંજીવન મળે અને તેના દ્વારા તે વ્યક્તિ અને તેના પરિવારના જીવનમાં ખુશાલી આવતી હોય તો આપ હાથનું દાન પણ કરાવો. કનુભાઈના પરિવારમાં એમના પત્ની શારદાબેન, એક પુત્રી અને ત્રણ પુત્રો છે જેઓ ડાયમંડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સલામ છે આ પરિવારને તેમના નિર્ણય બદલ…સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મીનું અંતર ૭૫ મીનીટમાં કાપીને કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનાની રહેવાસી ૩૫ વર્ષીય મહિલામાં ડૉ.નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે.
ત્રણ વર્ષ પહેલા કપડા સુકવતા વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ કપાઈ ગયા હતા તેના પતિ કરીયાણાની દુકાનમાં કામ કરે છે, તેમને છ અને આઠ વર્ષની બે દીકરી, ચાર વર્ષનો દીકરો છે. હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના….દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ દાહોદના રહેવાસી ૩૨ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ડૉ.દિવાકર જૈન અને તેમની ટીમ દ્વારા, બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૪૫ વર્ષીય મહિલામાં અમદાવાદની IKDRC માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે….હાથ, કિડની અને લિવર સમયસર મુંબઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો…સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૧૬ કિડની, ૧૭૭ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૯ હૃદય, ૨૬ ફેફસાં અને ૩૨૦ ચક્ષુઓ સહીત કુલ ૯૮૬ અંગો અને ટીસ્યુઓ તેમજ ચાર હાથનું દાન મેળવીને ૯૦૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે
Recent Comments