હવામાન વિભાગના અનુસાર બે ફેબ્રુઆરીથી ફરીવાર શિયાળુ વરસાદનો તબક્કો શરૂ થયો છે. જે ૪-૫ ફેબ્રુઆરી સુધી યથાવત્ રહી શકે છે. પશ્ચિમ હિમાલિયન વિસ્તારમાં બુધવારથી શુક્રવારની વચ્ચે વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. હિમાચલપ્રદેશમાં બે અને ત્રણ ફેબ્રુઆરીએ અને ઉત્તરાખંડમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ કરાવૃષ્ટિ થવાની સંભાવના છે.
હિમાચલપ્રદેશમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ ભારે વરસાદ અને બરફવર્ષા થવાની આગાહી કરાઇ છે. તો પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં છૂટાછવાયા વરસાદના એંધાણ છે. પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશના ઉત્તર વિસ્તારમાં આકરી ઠંડીની સાથે વરસાદ પડી શકે છે. કાશ્મીરમાં કેટલાંક સ્થળોએ વાદળ છવાયેલા રહેવાને કારણે લઘુતમ તાપમાન વધ્યું છે. બુધવારથી આગામી ત્રણ દિવસ સુધી વ્યાપકરૂપે વરસાદ કે હિમવર્ષા થઇ શકે છે. શ્રીનગરમાં લઘુતમ તાપમાન ૧.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
જે ગત રાત્રીની સરખામણીમાં ત્રણ ડિગ્રી વધારે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગામી બે દિવસમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. પૂર્વ ભારતમાં પણ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ધીમે-ધીમે બેથી ત્રણ ડિગ્રી સુધી વધી શકે છે. દેશના કેટલાંક રાજ્યોમાં આગામી ૪૮ કલાક દરમિયાન વાતાવરણ ફરી બગડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તો ક્યાંક ઠંડીમાં વધારો થશે.
Recent Comments