આંગડિયા પેઢીના બે કરોડની લુંટ કરનાર માટે પોલીસે ૧૦ ટીમો કામે લગાવી
મહેસાણાની આંગડિયા પેઢીનો કર્મચારી ઇકો કારમાં ૨.૦૯ કરોડ રૂપિયા લઇને અમદાવાદ આવી રહ્યો હતો. જે દરમિયાન કલોલના છત્રાલ પાસે તેની કારને આંતરીને કરોડોની લૂંટ આચરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી પ્રમાણે આંગડિયા પેઢીના કર્મચારી બે કરોડ લઇને અમદાવાદ આવી રહ્યાં છે તેની જાણ માત્ર ત્રણ લોકોને હતી જેમાં કારના ચાલક અને પેઢીના કર્મચારી દિલીપ પટેલ, મહેતાજી કનુભાઈ પ્રજાપતિ અને પેઢીના શેઠ હર્ષદ પટેલનો સમાવેશ થાય છે. ત્યારે લૂંટારુંઓને તેની જાણ કેવી રીતે થઇ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. કલોલ – છત્રાલ હાઇવે રોડ પર મહેન્દ્ર સોમાભાઈ પટેલ નામની આંગડિયા પેઢીના ડ્રાઇવરની ઈકો કારને તું ગાડીને સાઈડ કેમ આપતો નથી તેવું કહીને આંતરીને ઘાતક હથિયારો સાથે સુમો કારમાં આવેલા પાંચ લુટારુઓ ૨ કરોડ ૯ લાખની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.
જેથી કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલની શારદા સોસાયટીમાં રહેતો દિલીપ શાંતિલાલ પટેલ સાતેક માસથી મહેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ (એમ એસ પેઢી) ની આંગડિયા પેઢીમાં આઠ હજારનાં માસિક પગારથી નોકરી કરે છે. દિલીપ કડી પ્લેટીનમ પ્લાઝા ખાતે આવેલ પેઢીએ નોકરી ગયો હતો. ત્યારે એમ એસ પેઢીના મહેતાજી કનુભાઈ પ્રજાપતિએ કહેલું કે હું થોડીવારમાં રૂપિયાનો હિસાબ કરીને બે પાર્સલ બનાવીને આપું છું. જે લઈને અમદાવાદ જવાનું છે. બાદમાં દિલીપ ૨ કરોડ ૯ લાખ ભરેલ બે પાર્સલ ઈકોમાં લઈને સાડા સાત વાગ્યાના અરસામાં અમદાવાદ જવા નિકળ્યો હતો. જે કડી છત્રાલ આવતો હતો ત્યારે પોણા આઠ વાગે ધાનોટ પાટીયા પસાર કરી ઢાળ ઉતારતો હતો. તે દરમ્યાન એક સફેદ કલરની સુમો ગાડી પાછળ આવીને ઈકો કારની અડોઅડ આવી હતી. સુમો ગાડીમાં પાંચ લુટારુ હતા, ડ્રાઈવરની બાજુની સીટમાંથી નીચે ઊતરેલા લુટારુના હાથમાં લોખંડની પાઈપ હતી. જ્યારે વચ્ચેની સીટમાંથી ઉતરેલા અન્ય બે પાસે પણ હથિયાર હતા.
પાઈપ લઈને આવેલા લુટારુએ આંગડિયા વાહનનો દરવાજાે ખોલી આંગડિયા કર્મચારીને ગાળો બોલી તું ઓવરટેક કેમ કરે છે કહી કારની ચાવી કાઢી લીધી હતી. આ લુટારુએ ચાવી તેના સાગરિતોને આપી અને સાગરિતોએ ચાવીથી કારનો પાછળનો દરવાજાે ખોલી પાર્સલ ઉઠાવી પોતાની કારમાં મૂક્યા હતા અને આંગડિયા કર્મચારીને માથામાં પાઈપ મારી હતી. પોલીસે સમગ્ર કેસમાં સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, પેઢી દ્વારા બેંકમાંથી પૈસા કઢાયા ત્યારે કોઈ રેકી કે પીછો કર્યો છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલા આરોપીઓને વિગતોના આધારે પણ પૂછપરછ શરૂ કરી છે. આગંડિયા કર્મચારી પર પોલીસને શંકા નથી.
Recent Comments