ગોધરા પાલિકાની આવક ઓછી હોવાથી પગાર સમયસર નહીં
ગોધરા નગર પાલિકાનો આવકનો સ્ત્રોત નહિવત સામે પગાર વધુ ચુકવાનો હોવાની પાલિકા છેલ્લા કેટલાંય સમયથી કર્મીઓનો પગાર ૩ માસ મોડો આપી રહી છે. પાલિકાએ કર્મીઓના પગાર, મસ્ટર, પેન્શન, પીએફ માટે માસીક રૂા.૧.૨૦ કરોડ ચુકવાના હોય છે. જેની સામે પાલિકાની આવક ઘણી ઓછી છે. જેથી કર્મીઓને પગાર પુરતો આપી શકતી નથી.
પાલિકાને સરેરાશ માસિક રૂા.૫૦ લાખ વેરાઓમાંથી મળે છે. પાલિકાની સામાન્ય સભામાં પાલિકાની પડી રહેલી જગ્યાઓમાં દુકાનો અને હોલ બનાવીને તેનામાંથી થનાર આવકથી પગારનું ભારણ ઓછું કરવા માટે ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા. ગોધરાના પાલિકાની બાજુમાં ફાયર સ્ટેશન બનાવેલ છે. પરંતુ ઇમજન્સીમાં ફાયર ફાઇટરને નીકળવામાં તકલીફ પડતી હોવાથી નવી જગ્યાએ ફાયર સ્ટેશન બનાવવા તથા તે જગ્યામાં કોમર્શીયલ હેતુ માટે દુકાનો અને ઓફિસો બનાવાની તેમજ પાંજરાપોળ ખાતે આવેલ જુની આરટીઓની જગ્યાનો કોમર્શીયલ તરીકે ઉપયોગ કરીને પાલિકા દુકાન અને હોલ બનાવીને આવક મેળવવાનો ઠરાવ પાસ કર્યો હતો. શહેરા ભાગોળ પાસેના શોપીંગ સેન્ટરના પહેલા માળે ફાજલ પડી રહેલ કોમ્યુનીટી હોલને ભાડે આપવાના ઠરાવ પાસ કર્યો હતો. આમ પાલીકાએ આવક વધારવા ખાલી જગ્યાઓમાં દુકાનો અને શોપીંગ સેન્ટર બનાવીને અંદાજીત રૂા. ૮ થી ૧૦ લાખની આવક મેળવશે. જેથી આ વધેલી આવકથી કર્મીઓના પગાર ચુકવવામાં રાહત મળશે. પાલિકાની આવકનો સ્ત્રોત ઓછો હોવાથી કર્મીઓનો પગાર બાકી રહે છે. પાલીકાની જગ્યામાં કોમર્શીયલ બાંધકામ કરી આવક મેળવીને આર્થિક ભારણ ઓછું કરીશું ગોધરા શહેરમાં પાલિકાની લાખો રૂપિયાની કિંમતની ૭૦૦ જેટલી દુકાનો આવેલી છે.
આ અલગ અલગ દુકાનનું ભાડું નહિવત છે. વર્ષોથી એક જ ભાડું ચુકવતાં ભાડુઆતો પાસેથી પાલિકા વધુ ભાડું લેવા માટે ગત સમાન્ય સભામાં ભાડાં વધારવાનો ઠરાવ કર્યો હતો. તેની પ્રકીયા પાલિકાએ શરૂ કરી દીધી છે. હાલના સમયમાં સરકાર નિયમ મુજબ લેવાતું ભાડા રકમ નક્કી કરવા માટે આરએન્ડબી પાસે ભાડા રકમનો દર માંગ્યો છે. જેથી આવનારા સમયમાં લાખોની કિંમતની દુકાનોનું પાલિકા ભાડામાં વધારો કરીને ભાડાથી પાલીકાની આવક વધારશે. ગોધરા પાલિકામાં સમય મર્યાદામાં કામો પૂર્ણ ન કરતી હોય તેવી એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ હતો. જેને લઇને પાલિકાના વિક્ષપના ૧ સભ્યએ દરખાસ્ત કરી કે ગોધરા નગર પાલિકાના કોઇ પણ વિભાગમાં જેટલી પણ એજન્સીઓ કામ કરે છે તે પૈકી જે એજન્સીઓ નિયમાનુસાર સમયસર તેમજ કરાર અનુસાર કામ કરતી નથી તેવી એજન્સીઓને તાત્કાલિક ધોરણે બ્લેક લીસ્ટ કરી તેઓની ડિપોઝીટ જપ્ત કરવી તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની દરખાસ્તને પાલીકાના ૧૭ સભ્યોએ ટેકો આપ્યો હતો. પાલીકાના મિલ્કતવેરાના આશરે ૯ કરોડ રૂપિયાના વેરાબાકીદારો ભરતા નથી. જેની અસર પાલીકાની આવક પર પડે છે. જેથી વર્ષોથી બાકી વેરાઓ ભરવા માટે સામાન્ય સભાં શહેરમાં આવેલ મિલ્કતના મિલ્કતવેરા પેટે પાછલા વર્ષોની બાકી પડતી રકમની વસુલાત માટે રીબેટ સ્ક્રીમ દાખલ કરવાનો ઠરાવ પાસ કર્યો હતો. ઠરાવ પાસ થયા બાદ પાલીકા સરકાર પાસે રીબેટ સ્ક્રમ લાગુ કરવાની મંજુરી માંગશે. જે મંજુર થયા બાદ બાકીવેરાની વસુલાત સહેલાઇ થશે તેમ લાગી રહ્યું છે. નગર પાલીકાને કર્મચારીઓનો પગાર, રોજમદાર, મસ્ટર, પીએ. સહિતનાઓએ માસીક ૧.૨૦ કરોડ ચુકવાના હોય છે. તેની સામે પાલીકાની આવક માસિક સરેરાશ ૫૦ લાખ વેરા થકી, ૩૬ લાખ ઓકટ્રોય થકી તથા અન્ય રૂપિયા ૧૦ લાખની આવક થાય છે. તેની સામે પાલીકા દર મહિને ૧.૨૦ કરોડ પગાર, પાણી પુરવઠાનું ૩૨ લાખ રૂ. લાઇટ બીલ, સ્ટ્રીટ લાઇટનું ૫ લાખ બીલ, ડીઝલના ૫ લાખ તથા અન્ય ૫ લાખ જેટલી અન્ય ખર્ચ થતો હોય છે. જેને ઘટાડવા માટે પાલિકા દ્વારા વધુ ૮થી ૧૦ લાખની આવક મેળવવા માટે નવા કન્સ્ટ્રક્શનનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું ઠરાવ પરથી પ્રતિત થયું હતું.
Recent Comments