સૌરાષ્ટ - કચ્છ

ગઢડામાં ધો.૬ની બાળકીને ગંદા મેસેજ મોકલવાનર શિક્ષક સસ્પેન્ડ

ગઢડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધો.૬ની વિદ્યાર્થિની કોરોના દરમિયાન ઓનલાઇન શિક્ષણ મેળવતી હતી. ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થિની શિક્ષક એસ.એ.બોળાતરના સંર્પકમાં મોબાઇલ મારફત આવી હતી. શિક્ષકે પ્રથમ વિદ્યાર્થિનીને મદદરૂપ થવાની ભાવના વ્યકત કરી હતી. થોડા સમય સુધી મોબાઇલ પર શિક્ષણની વાતચીત ચાલ્યા પછી શિક્ષકે વિદ્યાર્થિનીના મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલવાના ચાલુ કરી દીધા હતા, એટલું જ નહીં, વિદ્યાર્થિનીને લોભ-લાલચમાં લેવા માટે ગિફ્ટ પણ મોકલતો હતો.

આથી ગભરાયેલી વિદ્યાર્થિનીની સ્થિતિની જાણ પરિવારજનોને થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. વિદ્યાર્થિની પાસેથી પરિવારજનોએ સમગ્ર બાબત જાણી અને પછી શાળાના આચાર્ય સમક્ષ ફરિયાદ કરી હતી. મામલો વધારે બિચકતા છેવટે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબત શિક્ષણ વિભાગ સુધી પહોંચતા બોટાદના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષક એસ.એ.બોળાતરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

કોરોના મહામારીમાં ઓનલાઇન શિક્ષણ પદ્ધતિનો કેટલાક શિક્ષકો દૂરુપયોગ કરતાં હોવાનું બહાર આવ્યું છે. ઓનલાઇન શિક્ષણ દરમિયાન ધો.૬ની વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલનારા શિક્ષક સામે પોલીસ ફરિયાદ થયા બાદ શિક્ષણ વિભાગે પણ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધો હતો.

Related Posts