૭ રાજ્યોમાં ૧૪ મહિલાઓ સાથે લગ્ન કરનાર લુંટારુ દુલ્હાની ધરપકડ
ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી બેદુ પ્રકાશ સ્વાહી પર ૧૪ મહિલાઓને છેતરવાનો આરોપ છે. પોલીસે તેની ધરપકડ કરી હતી. ડીસીપી ઉમાશંકરે જણાવ્યું કે ગયા વર્ષે એક મહિલાએ બેદુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે બેદુએ પોતાને ડોક્ટર તરીકે દર્શાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. તેણે નકલી મેડિકલ આઈડી કાર્ડ બતાવીને ઘણી મહિલાઓને છેતરપિંડીનો શિકાર બનાવી છે. બેદુએ પોતાની ઓળખ બદલી છે અને દેશના સાત રાજ્યોમાં ૧૪ લગ્ન કર્યા છે. તેણે તેની કેટલીક પત્નીઓ દ્વારા બાળકો પણ પેદા કર્યા. આ ઠગ મહિલાઓને ક્યારેક પોતાને ડોકટર તો કેટલીકવાર સરકારી અધિકારીઓ તરીકે ઓળખ આપીને ફસાવી. આરોપીએ મેટ્રિમોનિયલ સાઈટ પર એવી મહિલાઓને નિશાન બનાવી હતી, જેમના લગ્ન ઘણા સમયથી નથી થયા. આ સિવાય વિધવાઓ અને છૂટાછેડા લીધેલ મહિલાઓ પણ તેના શિકારમાં સામેલ છે. લગ્ન બાદ તે મહિલાઓના દાગીના અને પૈસા પડાવી લેતો હતો અને પછી ભાગી જતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ઈફ્કોના ચીફ મેડિકલ ઓફિસર, સુપ્રીમ કોર્ટની મહિલા વકીલ, નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના સભ્ય, ગૃહિણી અને આઈટીબીપીના સહાયક કમાન્ડેટને પણ નિશાન બનાવ્યા હતા. વર્ષ ૨૦૨૧માં દિલ્હીની એક શાળાના શિક્ષકે મહિલા થાણા, ભુવનેશ્વરમાં આરોપી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
પીડિત શિક્ષિકાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીએ તેની સાથે ૨૦૧૮માં નવી દિલ્હીના જનકપુરીના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે શિક્ષકને થોડા સમય માટે ભુવનેશ્વર લઈ આવ્યો હતો. થોડા દિવસો પછી મહિલા શિક્ષિકાને ખબર પડી કે તેનો પતિ તેની સાથે ખોટું બોલ્યો છે. તેની ઓળખ નકલી હતી અને તેણે ઘણી મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકરના જણાવ્યા અનુસાર આરોપી દેશના અલગ-અલગ રાજ્યોમાં ફરતો હતો. તે ઘણીવાર આસામના ગુવાહાટીમાં રહેતી તેની પ્રથમ પત્નીને મળવા જતો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે તેણે ૧૯૮૨થી અત્યાર સુધીમાં ૧૪ લગ્ન કર્યા છે. પૂછપરછના આધારે પોલીસે ચાર મહિલાઓનો સંપર્ક પણ કર્યો છે.
Recent Comments