fbpx
ગુજરાત

કચ્છમાં સ્ટ્રોબેરી બાદ હવે રંગબેરંગી ફુલાવર સહિત અનેક એક્ઝોટિક વેજિટેબલ્સ ઉગાડવામાં આવ્યા

કચ્છ ભૂગોળ પરિસ્થિતિ મુજબ એક રણ પ્રદેશ છે. આમ તો રણ પ્રદેશમાં કોઈ વિશેષ પ્રકારનું વાવેતર થઈ શકે નહીં પણ છતાંય કચ્છનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે. કચ્છના ખેડૂતો માટે ખેતી કરવા પૂરતી ખેતી નથી કરતા પણ નવા નવા પ્રયોગ કરી અન્ય વિસ્તારના ખેડૂતોને પણ નવી રાહ ચીંધે છે. હાલમાં જ કચ્છના એક ખેડૂતે કચ્છ જેવા રણ પ્રદેશમાં વિદેશમાં ઉગતા ત્રણ રંગના ફુલાવર સહિત અનેક એક્ઝોટીક વેજીટેબલ્સ ઉગાડી ખેતીમાં નવી ક્રાંતિ લાવ્યા છે. કચ્છમાં થોડા વર્ષો અગાઉ ખારેકનું સફળ વાવેતર થયા બાદ ઇઝરાયેલની ખારેક કચ્છમાં ઉગતી થઈ હતી. ગત વર્ષે જ મૂળ ફ્રાન્સની એવી સ્ટ્રોબેરીનું પ્રાયોગિક વાવેતર સફળ થયા બાદ પણ કચ્છના ખેડૂતે વાવેતર વધાર્યું હતું. તો હવે કચ્છના જ એક ખેડૂતે વિદેશમાં ઉગતી શાકભાજીઓનું સફળ વાવેતર કરી ફરી એક વખત લોકોને આશ્ચર્યચકિત કર્યા છે.

ઠંડા પર્વતીય વિસ્તારમાં થતી સ્ટ્રોબેરીનું કચ્છમાં સફળ વાવેતર કર્યા બાદ ભુજ તાલુકાના રેલડી ગામના ખેડૂત હરેશભાઈ ઠકકર અને કપિલભાઈ દહિયાએ ૩ એકરમાં વિદેશમાં ચલણમાં હોય તેવા એક્ઝોટિક વેજીટેબલનું સફળ ઉત્પાદન કર્યું છે. તેમની વાડીએ સફેદ ઉપરાંત પીળી અને જાંબલી રંગની ફુલાવર, લેટ્યુસ, બ્રોકોલી, ઝુકીની, લાલ કોબીજ, ચાઇનીઝ કોબીજ જેવા એક્ઝોટિક વેજીટેબલનું વાવેતર કર્યું અને તેમાં સફળતા મેળવી છે. ન માત્ર વિદેશી શાકભાજી પણ સેલેરી, પારસ્લે, બેઝીલ લીવ્ઝ જેવા હર્બનું પણ વાવેતર કર્યું છે. આ એક્સોટિક વેજીટેબલની કિંમતની વાત કરવામાં આવે તો ફુલાવરની કિંમત રૂ. ૧૦૦ પ્રતિ કિલોછે, ચાઇનીઝ કોબીજ રૂ. ૧૦૦, બ્રોકોલી નો ભાવ રૂ. ૫૦ પ્રતિ કિલો છે, તો લાલ કોબીજનો ભાવ રૂ. ૫૦ પ્રતિ કિલો મળી રહે છે. બર્ગર અને સેલેડમાં વપરાતી લેટ્યુસના ભાવ રૂ. ૨૦૦ પ્રતિ કિલો મળે છે તો બેઝિલ લીવ્ઝ, સેલેરિ, પારસ્લે વગેરેની કિંમત રૂ. ૪૦૦ થી ૫૦૦ પ્રતિ કિલો મળી રહે છે.

કચ્છની બજારોમાં વહેંચણ ઉપરાંત અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં પણ આ મોકલવામાં આવે છે. ત્રણ એકરમાં દરેક એક્સોટિક વેજીટેબલના પાંચ હજાર જેટલા રોપાઓનું સફળ ઉત્પાદન કરવામાં આવ્યું છે. મૂળ વિદેશમાં ઉગતી અને આરોગવામાં આવતી આ શાકભાજીઓની હવે ભારતમાં પણ ખૂબ માંગ છે. કચ્છમાં પણ આરોગ્ય માટે સભાન રહેતા અનેક પરિવારો આ પ્રકારની શાકભાજીનું સેવન કરે છે. જો કે, હવે કચ્છમાં જ આ ઉગતા ઓછી કિંમતે લોકોને મળી રહે છે. છેલ્લાં ૨ વર્ષોથી ચાલી રહેલા કોરોના કાળમાં લોકોના શરીરમાં ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા પોષકતત્ત્વો મળી રહે તે માટે આવી શાકભાજીઓનું ઉપયોગ વધારે કરી રહ્યા છે. બજારમાં પણ આની માંગ વધી રહી છે. આ બધા ઉત્પાદનોથી શારીરિક ક્ષમતામા વધારો થાય છે, પાચનતંત્ર મજબૂત થાય છે, વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે, શરીરને પૂરતા પોષકતત્ત્વો મળે છે.

Follow Me:

Related Posts