fbpx
ગુજરાત

વડોદરાની મહિલાએ લોન લેતા એપ સંચાલકે તેના પરિવારજનો પર બિભત્સ મેસેજ મોકલ્યા

વડોદરાના અટલાદરાની મહિલાએ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને રૂ.૫૦૦૦ની લોન માટે માગણી કરી હતી. આ એપમાંથી તેમના ખાતામાં રૂ. ૩૫૦૦ જમા થયા અને માત્ર ૭ દિવસમાં જ ભરવાનું જણાવામાં આવ્યું. એક હપ્તો ન ભરાતા મોબાઇલ એપના સંચાલકો દ્વારા આ મહિલાની ફોન બૂકના તમામ કોન્ટેક્ટ પર આ મહિલા વિશેના બિભત્સ મેસેજ અને બદનામ કરતા મેસેજ મોકલવાના શરૂ કર્યાં. તેમજ આ મહિલાને અશ્લીલ ફોટોગ્રાફ્સ પણ મોકલવાનું શરૂ કર્યું છે. આ મહિલાએ પતિને જાણ કરતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.શહેરમાં આવા ૫ કિસ્સા સામે આવ્યા છે. ‘અમે રૂ.૫૦૦૦ની લોનની માગણી કરી હતી.

પણ રૂ. ૩૫૦૦ જ પાસ થયા. ત્યારબાદ રૂ. ૧૨૨૬ બીજા દિવસે અમારી પાસે ચાર્જ પેટે ભરાવ્યા અને સાત દિવસમાં રૂ. ૩૫૦૦ ભરવા કહ્યું. જે ન ભરી શકતા આ રીતે હેરાનગતિ ચાલુ થઇ હતી. જ્યારે ભોગ બનેલી મહિલાએ કહ્યું કે, ‘ મેં જ્યારે બાકીના નાણા ભરવાનું કહ્યું ત્યારે તેમણે મને જુદા જુદા યુપીઆઇ પેમેન્ટ ચૂકવવા માટે આપવાના શરૂ કર્યાં. બે વાર પ્રયાસ કર્યા બાદ નાણા ભરાતા નથી. એમ કહીને ધમકીભર્યા મેસેજ આપવા માંડ્યા, મહિલાના માતા-પિતાના ફોન પર તો ઠીક કામવાળી બાઇના મોબાઇલ પર આવા મેસેજ અને કોલ કરવામાં આવ્યાં હતા. જેમાં આ લોન ચોર છે, ચીટર છેથી માંડીને નિમ્નકક્ષાની ભાષાનો સમાવેશ થતો હતો.

સાઇબર સેલના પીઆઇ નિતિન વ્યાસે જણાવ્યું કે, ‘ બે મહિનાથી વડોદરામાં આવી ફરિયાદો આવી રહી છે. હાલમાં આવા ૫ કિસ્સા આવતાં તપાસ ચાલી રહી છે. ઇન્ટરનેટ પર કોઇ પણ લોભામણી, ઊંચુ વળતર આપતી કે ઓછા વ્યાજની લોન લેવાનો સંપર્ક કરવો નહીં. ’ આ દેશવ્યાપી કૌભાંડમાં જે વોટ્‌સએપ નંબરોથી ફોન અને મેસેજ આવતા હતા. તેના પર ફોન કરતા જાણવા મળ્યું કે આ નંબર છત્તીસગઢ, બિહારમાં રહેતા કોઇ શ્રમિક કે ગરીબ ખેડૂતોના હતા. સીમ ક્લોન કરીને કે ડુપ્લીકેટ વાપરીને કૌભાંડ ચલાવાઇ રહ્યું છે.

Follow Me:

Related Posts