રૈયા સ્માર્ટસિટીમાં ખોદકામ કરી ખનીજ ચોરી કરવાનું કૌભાંડ
સ્માર્ટ સિટી વિસ્તારમાં કચેરીની મંજૂરી વગર તેમજ રોયલ્ટી ભર્યા વગર માટી, હાર્ડ મોરમ અને બ્લેક ટ્રેપ(કપચી)નો ઉપયોગ થયો છે. આ અંગે કચેરીને પણ ફરિયાદો મળી છે. આ રીતની કાર્યવાહીથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન થાય છે તેમજ આડેધડ કામ કરવાથી પર્યાવરણ પર પણ અસર થાય છે તેથી આ મામલે ગંભીરતા લેવી જરૂરી છે. ખાણ ખનીજ વિભાગે મનપા પાસે સ્માર્ટ સિટી વિસ્તારમાં કામ કરતા તમામ કોન્ટ્રાક્ટરનું લિસ્ટ માગ્યું હતું ત્યારબાદ લેવલિંગ અને ફિલિંગ કરતા દરેક ટેન્ડરની નકલ અને શરતો માગી હતી તેમજ તેમાં ક્યા પ્રકારના ખનીજ વાપરવાની જાેગવાઈ છે તે માગ્યું હતું.
જાે કોઇ કોન્ટ્રાક્ટરે રોયલ્ટી ભરી હોય તો તે અથવા તો જાે રોયલ્ટી માફી મળી હોય તો તે વિગત માગી હતી. મનપા પાસે માત્ર આટલી જ માહિતી મગાઈ હતી પણ સ્માર્ટ સિટીના ઈજનેરોએ એકપણ વખત માહિતી આપી ન હતી. ત્યારબાદ ૧૫ ડિસેમ્બરે ફરી પત્ર લખી રિમાઈન્ડર અપાયું છતાં કોઇ પગલાં લેવાયા નહિ છેલ્લે ૨૮ ફેબ્રુઆરીએ ફરી એક વખત રિમાઈન્ડર અપાયું છે હજુ સુધી વિગતો અપાઈ નથી જે સાબિત કરે છે કે અત્યાર સુધી ઈજનેરોએ શું કામગીરી કરી હશે. મનપાના ઈજનેરોએ ફક્ત રૈયા સ્માર્ટ સિટીમાં કામ કરતા કોન્ટ્રાક્ટર્સના નામ તેમજ જે તે ટેન્ડર આપવાના છે જેમાં એક સપ્તાહથી વધુનો સમય પણ ન લાગે. આમ છતાં જિલ્લા વહીવટી તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગને માહિતી આપવામાં આવી નથી આ પાછળ કારણ એ છે કે, એક વખત જાે ખાણ ખનીજ વિભાગને નામો મળી જાય તો તેના આધારે જે તે કોન્ટ્રાક્ટર પાસેથી દંડ ઉઘરાવી શકાય છે. હાલની સ્થિતિએ આ દંડ કરોડોમાં પહોંચી શકે છે. કોન્ટ્રાક્ટર્સનું આર્થિક હિત સચવાય તો કેટલાક ઈજનેરોનું પણ આર્થિક હિત સચવાય તેમ છે આ કારણે સ્માર્ટ સિટીમાં જાેડાયેલા વર્ક આસિસ્ટન્ટથી માંડી સિટી એન્જિનિયર સહિતના તમામ મોં સીવીને બેઠા છે. સ્માર્ટ સિટીમાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એક જ કોન્ટ્રાક્ટર પાસે છે પણ કેટલાક કામો પેટામાં આપી દેવાયા છે આ ઉપરાંત આસપાસના અન્ય કામો પણ અન્ય એજન્સીઓ કરી રહી છે.
રૈયા ધારમાં અત્યાર સુધીમાં મોટું બાંધકામ થયું જ નથી તેથી ચોરેલા ખનીજનો ઉપયોગ તેમજ ત્યાંથી ખનીજ ચોરવા માટે પેટા કોન્ટ્રાક્ટર્સ માટે આશીર્વાદ સમાન સ્થળ બન્યું છે. સ્માર્ટ સિટીમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાઈ ગઈ છે પણ તે ગ્રાન્ટ ક્યા વપરાઈ તેમજ હાલ સ્થિતિ શું છે તે માટેના હિસાબો તેમજ તેના ઓડિટ રિપોર્ટ જાહેર કરાતા નથી. સમગ્ર મનપાના હિસાબો અને બજેટ જાહેર થાય છે પણ મનપાની જ ઊભી કરેલી કંપની સ્માર્ટ સિટી લિમિટેડ જાણે કોઇ ખાનગી પેઢી બની હોય તેમ કોઇ હિસાબો જાહેર કરાતા નથી.રાજકોટ મહાનગરપાલિકામાં ઈજનેરો અને કોન્ટ્રાક્ટર્સની સાઠગાંઠથી અનેક કૌભાંડો થયા છે અને મનપાની તિજાેરી પર માર પડ્યો છે. અત્યાર સુધી મનપા સુધી જ કૌભાંડો કર્યા બાદ હવે ખાણ ખનીજમાંથી પણ કમાવા માટેનું ત્રાટક સામે આવ્યું છે અને આ વખત સ્માર્ટ સિટી કે જ્યાં કરોડો રૂપિયાનું રોકાણ થયું છે ત્યાં લેવલિંગ તેમજ રોડ બનાવવા સહિતના કામો માટે જે ખનીજ વપરાય છે તેમજ ખોદકામ કર્યા બાદ જે ખનીજ નીકળે છે તેની એક રૂપિયાની પણ રોયલ્ટી ભરાઈ નથી આ રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે.
Recent Comments