fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં પતિએ તેની પ્રેમિકા સાથે મળી પુત્રીની હત્યા કરી દફનાવી દીધીની ફરિયાદ

રાજકોટ શહેરમાં પતિથી અલગ રહેતી ખાનગી હોસ્પિટલની મહિલા કર્મચારીએ પતિ સાથે રહેતી તેની છ વર્ષની પુત્રીના મોત અંગે શંકા વ્યક્ત કરી બાળકીને તેના પિતા અને તેની પ્રેમિકાએ મોતને ઘાટ ઉતારી બારોબાર લાશની દફનવિધિ કરી દીધાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ હતી. મહિલાના આક્ષેપથી પોલીસે તપાસ શરૂ કરી હતી. ખાનગી હોસ્પિટલની કર્મચારી કંચનબેન રામભાઇ પરમાર (ઉ.વ.૩૦) શુક્રવારે સવારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને મળ્યા હતા અને તેમણે શંકા વ્યક્ત કરી હતી તે સાંભળી કમિશનર પણ ચોંકી ઉઠ્‌યા હતા. કંચનબેને પોલીસ અધિકારી સમક્ષ કહ્યું હતું કે, તેમના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા, લગ્ન બાદ પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હતો, છ વર્ષ પૂર્વે પુત્રી જેનીનો જન્મ થયો હતો, પુત્રી દોઢ મહિનાની હતી ત્યારે પતિએ કાઢી મુકતા કંચનબેન પુત્રી સાથે ત્રણ વર્ષ નારી સુરક્ષા ગૃહમાં રહ્યા હતા, કંચનબેન અગાઉ સિવિલ હોસ્પિટલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા, માસૂમ પુત્રીને નોકરી સ્થળે લઇ જવું શક્ય નહીં બનતા પુત્રી જેનીને પોતાની સાથે રાખવા પતિ રામજીને કહ્યું હતું પરંતુ છૂટાછેડા આપ તો પુત્રીને સાચવંત તેમ કહેતા બાળકી તેની માતા સાથે જ રહેતી હતી.

દોઢ વર્ષ પૂર્વે અંતે રામજી પુત્રી જેનીને પોતાની સાથે લઇ ગયો હતો, થોડો સમય પુત્રીને સારી રીતે રાખી હતી પરંતુ એક વર્ષ પૂર્વે રામજીભાઇએ અમદાવાદની સુનિતા સાથે પ્રેમલગ્ન કર્યા હતા, લગ્ન બાદ બંને જેનીને ત્રાસ આપતા હતા, પુત્રી જેનીને પતિ રામજી અને તેની પ્રેમિકા સુનિતા હેરાન કરતા હોવાની કંચનબેને અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી, કંચનબેને એવું પણ કહ્યું હતું કે, પાંચેક મહિના પૂર્વે તેના સાસુ જીવુબેન પુત્રી જેનીને લઇને હોસ્પિટલે આવ્યા હતા અને ત્યારે તેમણે પણ રામજી અને સુનિતા માસૂમ જેનીને મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી. જેનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને પરમાર પરિવારે બાળકીની દફનવિધિ પણ કરી હતી. પુત્રીના મૃત્યુ અને બારોબાર તેની દફનવિધિની જાણ થતાં કંચનબેને પુત્રીના મૃત્યુ અંગે પૂછતાં પતિ રામજીએ બાળકીને ઝાડા ઊલટી અને લકવા થયાની વાત કરી હતી, પતિની વાત શંકાસ્પદ લાગતા કંચનબેને પોલીસનું શરણું લીધું હતુ. ઇન્ચાર્જ કમિશનર ખુરશીદ અહેમદની સૂચનાથી થોરાળા પોલીસે તપાસ શરૂ કરી હતી, ઘટનાએ શહેરમાં ભારે ચકચાર જગાવી હતી. બાળકી જેનીને બીમારી સબબ શરૂઆતમાં ગુંદાવાડી હોસ્પિટલમાં ત્યારબાદ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકીની હત્યા અંગેનો આક્ષેપ થતાં સિવિલ હોસ્પિલના તબીબોની પૃચ્છા કરતા બાળકી બીમાર હોવાનું અને તેને કઇ બીમારીની કઇ સારવાર આપવામાં આવી હતી તેની કેસ ફાઇલ પણ બતાવવામાં આવી હતી. કંચનબેને કોઇ ચોક્કસ કારણસર આક્ષેપ કર્યાની શંકા છે, આમ છતાં આ મામલે તપાસ ચાલું હોવાનું તેમણે ઉમેર્યું હતું. – પીઆઇ કાતરિયા, થોરાળા પોલીસ

Follow Me:

Related Posts