રાંધેજા-રૂપાલમાંથી ૭ જુગારીઓને પોલીસે રંગેહાથ ઝડપ્યા
ગાંધીનગરમાં દારૂ જુગારની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા માટે અવારનવાર જુગાર અને પ્રોહીબીશન ડ્રાઈવ યોજવામાં આવતી રહે છે. જે અન્વયે જિલ્લામાં ચાલતી ડ્રાઈવ અંતર્ગત પેથાપુર પોલીસ મથકના ફોજદાર એમ એસ રાણા ડી સ્ટાફના માણસો સાથે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાંધેજા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતાં પ્રતાપ ગિરધરભાઈ પટેલ (રાંધેજા), ધર્મેશ પોપટભાઈ બારોટ (પેથાપુર), દિગ્વિજય પ્રતાપસિંહ વાઘેલા (કોલવડા) અને જયદીપ અરવિંદભાઈ પટેલ (રાંધેજા) ને રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ, જુગાર સાહિત્ય મળીને કુલ ૧૭ હજાર ૪૫૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત રૂપાલ ગામની સીમમાં ખરાબા ની ખુલ્લી જગ્યામાં પણ પૂર્વ બાતમીના આધારે રેડ કરીને જયેશ અરવિંદભાઈ પટેલ, મૂકેશ ચીમનભાઈ પટેલ અને દેવાંગ દશરથભાઈ પટેલને જુગાર રમતાં ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા જુગારીઓની અંગ ઝડતી લેતાં તેઓની પાસેથી રૂ. ૧૬૦૩૦ રોકડ તેમજ દાવ પરથી ૯૫૦ રોકડા મળીને કુલ ૧૬ હજાર ૯૮૦નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગરમાં ચાલી રહેલી જુગાર અને પ્રોહીબીશનની ડ્રાઈવ અંતર્ગત પેથાપુર પોલીસે રાંધેજા-રૂપાલ ગામમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને સાત જુગારીઓને જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડી ૩૩ હજાર ૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments