એલઆઈસીના આઈપીઓનો વિરોધમાં બે દિવસની હડતાળનું આહ્વાન કરાયું
એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન, નડિયાદ ડિવિઝન ઓલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી. આ સભા વિજયભાઈ પી કેવટના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે એચ આઇ ભટ્ટ, મહામંત્રી, તેમજ ગાંધીનગરના સક્રિય સાથી અમૃત પ્રજાપતિ, હિમાંશુ સુથાર તેમજ દિશાંત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્રણી નેતા એચ આઇ ભટ્ટે એલઆઈસીના વિકાસમાં ઓલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન યુનિયનની મહત્તા લંબાણપૂર્વક અને દાખલાઓ-દલીલો સાથે સમજાવી હતી. તેમણે વિશેષમાં એલઆઈસીનો ઈનિશિયલ પબ્લિક ઓફરીંગ દેશ હિતમાં નથી એ બાબતે પણ વિશેષ છણાવટ કરી હતી. વધુમાં તેમણે એલઆઈસીના આઈપીઓના વિરોધ કરવા માટે તેમજ સામાન્ય જનતાના પ્રાણ પ્રશ્નો બાબતે સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે તારીખ ૨૮, ૨૯ માર્ચની બે દિવસની ઔધોગિક હડતાળને સફળ બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
આ મિટિંગમાં વિકાસ અધિકારી મિત્રોના સંગઠન (એનએફઆઈએફડબ્લ્યુઆઈ)ના મહામંત્રી નિર્મિત ઠક્કરે પણ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું. નડિયાદ વિભાગીય કચેરીના મેનેજર સી એસ રાણાએ પણ સભામાં હાજર રહી શુભેચ્છા આપી હતી. નવા વર્ષની કારોબારીમાં પ્રમુખ તરીકે એમ.આર.મન્સૂરી, દાહોદ શાખા, મહામંત્રી તરીકે પ્રકાશ એમ મેકવાન, નડિયાદ ઓફિસ, સંગઠન મંત્રી તરીકે અનિરૂદ્ધ જે ક્રિશ્ચયન, આણંદ શાખા ૧ તેમજ ખજાનચી તરીકે હિરેન વી મહેતા, આણંદ શાખા ૧ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
Recent Comments