fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વયજૂથના બાળકોને કોરોના રસીકરણનો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષના ૯૦ હજારથી વધુ બાળકોને કોર્બેવેક્સ વેક્સીન અપાશે

જિલ્લામાં અત્યાર સુધી ૫ હજારથી વધુ બાળકોને કોરોના વિરોધી રસી અપાઇ

           રાજ્યભરમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને કોરોના વિરોધી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.  આ અભિયાન અંતર્ગત  જિલ્લામાં ૯૦ હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવનાર છે.

           ભાવનગર શહેર અને જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓએ વ્યાપક ધોરણે આ કામગીરી કરી રહ્યાં છે. આ અંગેની વાલીને સમજૂતી આપીને તેમના બાળકો પણ ઝડપથી રસી લઇ લે તે માટે સમજાવી રહ્યાં છે.

           આપણે જાણીએ છીએ કે, કોરોના જેવાં વૈશ્વિક મહામારીના સંકટમાંથી બચવાં માટે રસી એ જ કારગત હથિયાર છે ત્યારે જિલ્લાના લાયકાત ધરાવતાં ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતાં તમામ બાળકો કોર્બેવેક્સ રસી લઇ લે તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ.કે. તાવીયાડે અપીલ કરી છે.

           કોરોનાની ત્રીજી લહેર ધીમી  પડી રહી છે તેનું કારણ વ્યાપક રસીકરણ છે. સ્વદેશી એવી કોર્બેવેક્સ વેક્સિનના પ્રથમ ડોઝના રસીકરણ બાદ ૨૮ દિવસના અંતરાલ પછી બીજો ડોઝ લેવાનો રહે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ખૂબ જ ટૂંકા ગાળામાં દેશના વૈજ્ઞાનિકોએ સ્વદેશી વેક્સિન બનાવી તેમાં પણ બાળકો માટે ગણતરીના મહિનાઓમાં વેક્સિન ઉપલબ્ધ કરાવી છે તે દેશ માટે એક સિધ્ધિ છે. વિશ્વના દેશો કોરોના સામે નતમસ્તક છે ત્યારે આપણાં દેશમાં કોરોનાનું વાતાવરણ દિવસેને દિવસે સામાન્ય બની રહ્યું છે.

           જિલ્લામાં ૯૦ હજાર જેટલાં બાળકોને તબક્કાવાર વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ દરેક શાળામાં આરોગ્યની ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવશે. આજના પ્રથમ દિવસે શાળાઓમાં આરોગ્યની ટીમ દ્વારા કોરોનાની વેક્સિન અપાઇ રહી છે ત્યારે બાળકોએ ખાસ્સો ઉત્સાહ દર્શાવ્યો હતો. આજે ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૫ હજારથી વધુ બાળકોને આ રસી આપી દેવામાં આવી છે.

           બાળ કિશોરોના રસીકરણને લગતી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની નવી સૂચનાઓ અનુસાર સને ૨૦૦૮/૯ ના વર્ષમાં અને ૧૬મી માર્ચ,૨૦૧૦ સુધી જન્મેલા બાળ કિશોરો રસીકરણ માટે લાયક ગણાશે અને તેઓ આ રસી લેવાં માટે પાત્ર ઠરશે. આ ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વય ધરાવતાં સિનિયર સિટીઝન માટે પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી પણ ચાલી રહી છે.

Follow Me:

Related Posts