ગુજરાત

મહેસાણાના વેપારીએ કેરળના વેપારી સાથે ૧.૪૭ કરોડની છેતરપિંડી આચરી

૨૦૧૯ માં મહેસાણાના વિમલ સુપર માર્કેટમાં ઓફિસ ધરાવતા રાકેશ ભરત પટેલે કેરળના કેઆરપી ટ્રેડિંગમાંથી રૂ. ૧ કરોડ ૪૭ લાખ ૪૨ હજારના જાયફળ ખરીદ્યા હતા. બાદમાં ઇનવોઇસ બીલમાં પેમેન્ટ કર્યું નહોતું અને તેના બે ચેક બાઉન્સ થયા હતા. જેમાં કેરળના વેપારી કે.આર.પૌલાસે કોરાટ્ટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં રાકેશ પટેલની ધરપકડ થયા બાદ જામીન પર છૂટકારો થયો હતો. ઉપરાંત આરોપી રાકેશ પટેલના મહેસાણાના માલગોડાઉન રોડ પર ગંગા મૈયા સોસાયટીમાં આવેલા મકાનની ડિટેલ કઢાવતા તેની માતાએ આ મકાન ગત ડિસેમ્બર, ૨૦૨૧માં વેચી નાખ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

મહેસાણામાં રાકેશ પટેલની મિલકત બાબતે તપાસ કરતા તેનું ગંગા મૈયા સોસાયટીમાંનું મકાન નં ૧૩, તેની માતા કમુબેને ૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પટેલ મુકેશ ચેલાભાઈને વેચી દીધું હતું. ઉપરાંત તેણે આંધ્રપ્રદેશના વેપારીને પણ રૂ. ૭.૬૫ કરોડનો ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે. આ કેસમાં અંકિત પટેલ અને વિજયસિંહ વાઘેલાનું પણ નામ ખુલ્યું હોવાનું કેરળ પોલીસે જણાવ્યું હતું.કેરળ-આંધ્રપ્રદેશ સહિતના અનેક રાજ્યોના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ મહેસાણાના રાકેશ પટેલ સામે કેરળમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આરોપી સામે સજ્જડ પુરાવા એકત્રિત કરવા કેરળ પોલીસે કવાયત આદરી છે, જેના પગલે કેરળ પોલીસે મહેસાણામાં ધામા નાખી તપાસ શરૂ કરી હતી. જેમાં કેરળ પોલીસે મહેસાણા મામલતદાર કચેરી ખાતે આવીને તપાસ હાથ ધરી હતી.

Related Posts