ગાંધીનગરમાં મેડિકલ સ્ટોરનો સંચાલક ઓનલાઈન સટ્ટો રમતા ઝડપાયો
હાલમાં ચાલતી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર એપ્લિકેશનના માધ્યમથી ઓનલાઇન સટ્ટો રમવાના વધતા જતાં દૂષણને ડામવા લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. એ વખતે બાતમી મળી હતી કે ઘ-૨ સર્કલ પાસે આવેલી આનંદ હોસ્પિટલની નીચેની ઉમિયા કૃપા મેડિકલ સ્ટોરની બહાર એક ઈસમ ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. જેના પગલે એલસીબીના માણસોએ જરૂરી પંચોની હાજરીમાં મહેશ ડાહ્યાભાઈ પટેલ (રહે. સેક્ટર – ૬/એ, પ્લોટ નંબર – ૪૧૨/૨)ને ઝડપી પાડ્યો હતો.
એલસીબીની ટીમે મહેશ પાસેના મોબાઇલ ચકાસણી કરતાં તેમાં રેઈનબો ૭૭૭ નામની એપ્લીકેશન માધ્યમથી આઇપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટની ટી-૨૦ ક્રિકેટ મેચનો સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેની પુછતાછ હાથ ધરાતાં તેણે મેડિકલ સ્ટોર તેનો હોવાની કબૂલાત કરી સટ્ટો રમવા માટે તેના મિત્ર પિયુષ ચૌહાણ નામના શખ્સે યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા હતા એમ જણાવ્યું હતું. જે એપ્લિકેશનનું યુઝર એકાઉન્ટ ચેક કરતા તેમાં ૮૯ હજાર ૯૦૦નું બેલેન્સ પણ હતું. જેનાં પગલે એલસીબીએ તેનો મોબાઈલ ફોન તેમજ અંગ ઝડતી લેતા રૂ. ૧૨ હજાર રોકડા મળી આવ્યા હતા.
આ મુદ્દામાલ જપ્ત કરી એલસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના ઘ-૨ સર્કલ પાસે આવેલા ઉમિયા કૃપા મેડિકલ સ્ટોરના સંચાલકને આઇપીએલની સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટની ટી-૨૦ ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં લોકલ ક્રાઇમ બ્રાંચે રંગેહાથ ઝડપ્યો હતો. તેમજ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી રૂ. ૨૨ હજાર ૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments